મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

સંજય રાવલઃ ગરીબીથી બિઝનેશમેન સુધીની સફર

કુટુંબની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અનેક સંઘર્ષોનો સામનો કરીને ઉચ્ચ સ્થાન ઉપર પહોંચ્યા રાજ્ય સરકારમાં દરેક વિભાગોમાં દરેક પદ પર તેને લાયક નિષ્ણાંત માણસ જ હોવા જોઇએ

રાજકોટ, તા. ૧૭ :. મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલનો જન્મ તા. ૫-૯-૧૯૬૬ના રોજ પાલનપુર ખાતે થયો હતો. તેઓ પ્રેરક વકતા, ઉદ્યોગપતિ, લેખક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા તરીકે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થયા છે.

સંજયભાઈ રાવલનો મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પાસે ૧૦૦ ચો.ફૂટમાં નાની દુકાન હતી. સંજયભાઈ રાવલે ગુજરાતી ફિલ્મ 'વિટામીન-સી'નું નિર્માણ કર્યુ હતું.

તેઓએ અસંખ્ય ફ્રી સેમિનાર કરીને હજારો લોકોને પ્રેરણા આપી છે અને અનેક લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે.

સંજય રાવલના કુટુંબની વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક પ્રકારના સંઘર્ષોનો તેમણે સામનો કરીને પાલનપુરમાં બીએસ.સી. અને એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદને તેમણે કર્મભૂમિ બનાવી છે. તેઓ તક્ષશિલા, ટ્રેઝર બુકસ એન્ડ લાઈફ સ્ટાઈલ સ્ટોરના માલિક છે. આ ઉપરાંત ટ્રેઝર રેસીડેન્સી બંગલા અને ફલેટની સ્કીમના તેઓ સફળ ઓર્ગેનાઈઝર પણ છે.

સંજયભાઈ રાવલની ગરીબીથી માંડીને બિઝનેશમેન સુધીની સફર અત્યંત સંઘર્ષપૂર્ણ રહી છે. ગરીબીમાં બાળપણમાં તેઓએ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો. ખૂબજ સામાન્ય પરિવારમાં જન્મીને આજે ખૂબજ સારા લેવલ ઉપર હોવા છતાં સંજય રાવલ પોતાનો સમય કોઈ અપેક્ષા-વળતર વગર લોકોને આપે છે.

મા-બાપથી જીવનમાં કોઈ મોટું નથી અને કોઈ પૂજનીય નથી તેવુ તેઓ દરેક સેમીનારમાં સમજાવે છે.

તેમની સફળતા પાછળ તેમના માતા-પિતા, પત્નિ અને સંતાનોનો પણ મહત્વનો ફાળો છે.

રાજકોટ, તા ૧૭ :. અકિલા કાર્યાલય ખાતે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે જણાવ્યુ હતુ કે, સરકારે આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતની બાબતોમાં વધુ ધ્યાન આપવું જોઈએ. આપણી પાસે સારા સારા તબીબો પણ છે તેની પણ સેવાનો લાભ લેવો જોઈએ. 

સંજય રાવલે વધુમાં જણાવ્યું કે આપણી પાસે આરોગ્ય ક્ષેત્રમાં સંકળાયેલ અનેક હસ્તીઓ છે તેમનો રાજ્ય સરકારે સેવા માટે લાભ લેવો જોઇએ. આ તબીબોનો કોરોનાકાળ અથવા તો કોઈપણ મહામારી વખતે અથવા તો કોઈપણ આરોગ્યની બાબતો માટે સેવાનો લાભ લેવો જોઈએ.

રાજકોટ, તા. ૧૭ :. અકિલા કાર્યાલય ખાતે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે જણાવ્યુ હતુ કે મારા જમાઈએ મારો એક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો અને ત્યાર બાદ આ વિડીયોએ સોશ્યલ મીડીયામાં ધૂમ મચાવી હતી અને ધીમે ધીમે હું સોશ્યલ મીડીયા ઉપર ખૂબ જ વધુ છવાતો ગયો. અત્યાર સુધીમાં અસંખ્ય સેમીનારો કર્યા છે. બેથી અઢી કલાક સુધી સતત બોલી શકુ છું, વચ્ચે પાણી પણ પીતો નથી.

સંજયભાઈ રાવલે વધુમાં જણાવ્યુ કે હું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી ભાષામાં પ્રવચન આપી શકુ છું પરંતુ મારી માતૃભાષાને હું ભૂલતો નથી એટલે જ હું દરેક પ્રવચન ગુજરાતીમાં જ આપુ છું.

સંજયભાઈ રાવલે જણાવ્યુ કે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે. ગામની વસ્તી ૨૦ હજારની હોય તો ૨૫ હજાર લોકો સાંભળવા આવ્યાના દાખલા પણ છે.

(5:12 pm IST)