મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

ભારતીય મૂળની અમેરિકન સુમિત્રા મિત્રાને યુરોપનો પ્રતિષ્ઠિત ઇન્વેન્ટર એવોર્ડ એનાયત

સુમિત્રા મિત્રાને આ એવોર્ડ નોન યુરોપીયન પેટન્ટ ઓફિસ કન્ટ્રીઝ કેટેગરીમાં ડેન્ટિસ્ટ્રીમાં નેનોટેકનોલોજીના ઉપયોગને લઈને મળ્યો

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અમેરિકન મહિલા સુમિત્રા મિત્રાએ યુરોપનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યુ છે. તેમણે યુરોપીયન ઇન્વેન્ટર એવોર્ડ ૨૦૨૧ જીત્યો છે.

સુમિત્રા મિત્રાને આ એવોર્ડ નોન યુરોપીયન પેટન્ટ ઓફિસ કન્ટ્રીઝ કેટેગરીમાં ડેન્ટિસ્ટ્રીમાં નેનોટેકનોલોજીના ઉપયોગને લઈને મળ્યો છે. તેમણે પહેલી વખત નેનો પાર્ટિકલ્સ દ્વારા દાંત વધારે મજબૂત બનાવવા માટેની ટેકનિક વિશ્વ સમક્ષ રજૂ કરી.

આ ટેકનિકનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં એક અબજ લોકો પર સરળતાપૂર્વક કરવામાં આવી ચૂક્યો છે. યુરોપીયન પેટન્ટ ઓફિસના વડા એન્ટોનિયો કેપિનોઝ મુજબ સુમિત્રાએ આ ફિલ્ડને એકદમ નવો આયામ આપવા પર કામ કર્યું છે. દાંતોને રિસ્ટોર કરવાના ક્ષેત્રમાં તેમની ટેકનિક એકદમ ક્રાંતિકારી પગલું સાબિત થઈ છે. આ ટેકનિકના લીધે આ ક્ષેત્રનો જ વ્યાપ વિસ્તર્યો છે. તેનો ફાયદો હાલમાં કરોડો લોકો ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુમિત્રાએ પોતાની ટેકનિકની પેટન્ટ પણ કરાવી છે.

એન્ટોનિયો મુજબ તેમની આ ટેકનિકનો ઉપયોગ કર્યાને વીસ વર્ષ થઈ ચૂક્યા છે. તેમની આ નવી શોધ અને ટેકનિકના લીધે નવી પેઢી તેમના તરફ વધારે આકર્ષિત થઈ છે. તેમની આ ટેકનિક ભાવિ ડોક્ટરો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે. તેમણે એમ પણ બતાવ્યું હતું કે યુરોપીયન ઇન્વેન્ટર એવોર્ડ સેરિમની આ વખતે પહેલી વખત ડિજિટલી થઈ રહ્યા છે અને તેના લીધે આ વખતે સમગ્ર વિશ્વને તેની સાથે જોડાવવાની તક મળી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ યુરોપના પ્રતિષ્ઠિત એવોર્ડમાં એક છે. તેને દર વર્ષે યુરોપીયન પેટન્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે. સુમિત્રાએ જણાવ્યું હતું કે કોઈપણ નવા વિચાર પર કામ શરુ કરવા માટે જિજ્ઞાસા અને સંશોધન મુખ્ય આધાર છે. આ પહેલા ૨૦૧૮માં તેમને યુએસ નેશનલ ઇન્વેન્ટર્સ હોલ ઓફ ફેમ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

(12:21 am IST)