મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીનું અંધાધૂંધ ફાયરિંગ : રેલવે પોલીસ કર્મચારી સહિત બેનાં મોત

આતંકવાદીને પકડી પાડવા માટે આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક રેલવે પોલીસ કર્મચારી સહિત બેનાં મોત થયા હતા. આતંકવાદીને પકડી પાડવા માટે આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે કુલગામના વનપોહ વિસ્તારમાં આતંકવાદીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં રેલવે પોલીસ કર્મચારી બંટુ શર્માને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તેણે દમ તોડી દીધો હતો.
એ ઘટનાની થોડીવાર પછી આતંકવાદીએ ફરીથી એ જ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક પરપ્રાંતીય મજૂરનું મોત થયું હતું. બિહારથી જમ્મુ-કાશ્મીરની ફેક્ટરીમાં મજૂરી કરવા આવેલા બિહારના શંકર કુમાર ચૌધરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ બંને ઘટના પછી કુલગામના બધા જ વિસ્તારોને કોર્ડન કરીને આતંકવાદીને પકડી લેવા માટે કવાયત શરૃ કરવામાં આવી હતી. ક્યા આતંકવાદી સંગઠનના આતંકીઓ હુમલો કર્યો તે બાબતે હજુ સુધી કોઈ જાણકારી મળી ન હતી. કેટલા આતંકવાદીઓ આખા વિસ્તારમાં છુપાયા છે તે બાબતે પણ જાણકારી મળી ન હતી. કુલગામથી બહાર તરફ લઈ જતા બધા રસ્તાએ પહેરો ગોઠવીને તપાસ હાથ ધરાઈ છે.

(12:32 am IST)