મુખ્ય સમાચાર
News of Monday, 18th October 2021

કસમ ખાઉં છું કે જેલમાંથી નીકળ્યા બાદ ડ્રગ્સને હાથ નહીં લગાડું : આર્યનખાન

શાહરૂખ પુત્રનું જેલમાં કાઉન્સેલિંગ કરાયું : અધિકારીઓના કહેવા પ્રમાણે આર્યને દેશના જવાબદાર નાગરિક તરીકે જીંદગી વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ,તા.૧૭ :ક્રુઝ શીપ પર ડ્રગ્સ પાર્ટીના ચકચારી કેસમાં પકડાયેલા સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં છે તેને જામીન મળશે કે નહીં તેની ચર્ચા વચ્ચે આર્યન ખાનનુ જેલમાં એનસીબીના અધિકારીઓ અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલિંગ થઈ રહ્યુ છે.આ દરમિયાન આર્યન ખાને કહ્યુ છે કે, હું કસમ ખાઉં છું કે જેલમાંથી બહાર આવ્યા બાદ ડ્રગ્સને હાથ પણ નહીં અડાડું. એનજીઓના બે કર્મચારીઓ તેમજ એનસીબીના અધિકારીઓ આ કાઉન્સિલંગમાં સોલ છે.અધિકારીઓના કહેવા પ્રમાણે આર્યન ખાને ભવિષ્યમાં દેશના એક જવાબદાર નાગરિક તરીકે જીંદગી વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આર્યન ખાન અને બીજા સાત લોકોનુ પણ કાઉન્સિલિંગ થઈ રહ્યુ છે.તેમને એનજીઓ દ્વારા ડ્રગ્સની આદત છોડાવવા માટે મદદ કરાઈ રહી છે.તેમને ડ્રગ્સના કારણે સમાજમાં કયા પ્રકારના ગંભીર પરિણામો આવતા હોય છે તે અંગે સમજ અપાઈ રહી છે.

ડ્રગ્સના આરોપીનુ કાઉન્સિલિંગ કરવુ તે એનસીબીની કામગીરીનો એક ભાગ છે.અધિકારીઓનુ કહેવુ છે કે, આર્યન ખાનનો રિસ્પોન્સ બહુ સારો છે અને તે દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે.તેણે વારંવાર ડ્રગ્સથી દુર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.કાઉન્સિલિંગ દરમિયાન સમાજના ગરીબ લોકો માટે કામ કરવાની પણ તેણે ઈચ્છા વ્યક્ત કરી છે.

(12:00 am IST)