મુખ્ય સમાચાર
News of Wednesday, 18th November 2020

વડાપ્રધાન મોદી અને જો બાઇડેન વચ્ચે વાતચીત : કોરોના મહામારી, ક્લાઇમેન્ટ ચેન્જ અને ઈન્ડો-પેસિફિક રિઝનમાં સહયોગની ચર્ચા કરી

બન્ને નેતાઓએ વૈશ્વિક રણનીતિક ભાગીદારી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા

વૉશિંગ્ટન: વડાપ્રધાન મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.પીએમ મોદી અને જો બાઈડેને કોરોના મહામારી,  ક્લાઈમેટ ચેન્જ  અને ઈન્ડો-પેસિફિક રિઝનમાં સહયોગની ચર્ચા કરી છે.

અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને જો બાઈડેન વચ્ચે એક સકારાત્મત વાટાઘાટો થઈ છે. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હૈરિસને  પણ જીતની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકામાં વસતા ભારતીય-અમેરિકનો માટે આ ગર્વની ક્ષણ છે. તેઓ એક પ્રેરણાસ્ત્રોત છે અને ભારતને તેમની સિદ્ધી પર ખૂબ જ ગર્વ છે.

પોતાની વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ વૈશ્વિક રણનીતિક ભાગીદારી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કોરોના મહામારી પર ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે સ્વાસ્થ્ય અને ફાર્માસ્યૂટિકલ્સ, ખાસ કરીને વૅક્સીનના સ્ટેટસ પર પણ ચર્ચા કરી છે.

તરનજીત સિંહ સંધૂએ કહ્યું કે, 2014માં જ્યારે પીએમ મોદી અમેરિકાની પોતાની પ્રથમ સત્તાવાર યાત્રા પર વૉશિંગ્ટન આવ્યા હતા, ત્યારે વાઈસ પ્રેસિડન્ટ રહેલા જો બાઈડેને પીએમ મોદી માટે લંચનું આયોજન કર્યું હતું.જે બાદ 2016માં જ્યારે ફરીથી વડાપ્રધાન મોદી અમેરિકા આવ્યા, ત્યારે અમેરિકન કોંગ્રેસને સબંધિત કર્યા હતા. આ સંબોધન દરમિયાન પણ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેને જ સંયુક્ત સત્રની અધ્યક્ષતા કરી હતી. આજ કારણ છે કે, બન્ને નેતાઓ વચ્ચે વાતચીત સકારાત્મક રહી

, અત્રે ઉલ્લેખનીય  છે કે ગત 3 નવેમ્બરે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને (Joe Biden) 306 વોટ પ્રાપ્ત કરીને જીત મેળવી લીધી છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 વોટ મળ્યા છે. ચૂંટણી જીતવા માટે 538 ઈલેક્ટોરલ કૉલેજ વોટોમાંથી 270 વોટ હાંસલ કરવાના હોય છે.

(9:48 am IST)