મુખ્ય સમાચાર
News of Thursday, 19th January 2023

શિયાળામાં ઘઉંની રોટલીને બદલે બાજરીના લોટનો રોટલો ખાવો ફાયદાકારકઃ શરીરને ગરમી મળતા હાર્ટઍટેકનુ જાખમ ઘટી શકે

બાજરીમાં જટિલ કાર્બોહાઇડ્રેટસ હોવાથી બ્લડ પ્રેશર, હાર્ટઍટેક અને સ્ટ્રોકનું જાખમ ઘટાડે

શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખાણી-પીણી હોવી ખૂબ જ જરૂરી છે. શિયાળામાં લોકો ઘણીવાર મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. ઘઉંના લોટનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં રોટલી માટે કરવામાં આવે છે, પરંતુ તમે શિયાળામાં ઘઉંના લોટને બદલે આ લોટ વાપરશો તો ફાયદો થશે. બાજરીનો લોટ માત્ર પોષણથી ભરપૂર નથી પરંતુ તે શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. બાજરીના લોટનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે.

બાજરી એ પોષણથી ભરપૂર અનાજ છે અને નિષ્ણાતો પણ શિયાળામાં બાજરો ખાવાની સલાહ આપે છે. તાજેતરમાં જ ફિટનેસ એક્સપર્ટ જુહી કપૂરે, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને બાજરીના 5 મુખ્ય ફાયદાઓ જણાવ્યા છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું, 'મને મહારાષ્ટ્રની આસપાસ જે શ્રેષ્ઠ વસ્તુઓ મળી છે તેમાંથી એક બાજરી ભાકરી છે જેમાં તલના બીજનો ટોપિંગ છે. તે માત્ર હેલ્ધી નથી પણ પોષક તત્વોથી ભરપૂર છે, એટલું જ નહી ફાઈબરથી ભરપૂર હોવાની સાથે તે ઓછી કેલરીવાળો ખોરાક છે. આ સાથે તેમણે શિયાળામાં બાજરી કેમ ખાવી જોઈએ તેના 5 કારણો આપ્યા છે.

શિયાળામાં બાજરી ખાવાના 5 કારણો

1. બાજરીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

2. બાજરીમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ધીમે ધીમે શોષાય છે. આ કારણે બાજરી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તે વધારે ખાવાથી આપણને રોકે છે. તેનાથી વજન વધવાનું પણ જોખમ ઘટે છે.

3. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક નથી વધતું.

4. બાજરીમાં ઈન્સોલ્યૂબ ફાઇબર હોય છે અને તે પ્રિ-બાયોટિકની જેમ કામ કરે છે. બાજરી ખાવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

5. જે લોકો ગ્લુટેન ફૂડથી એલર્જી ધરાવે છે અથવા જેઓ ગ્લુટેન ફ્રી ડાયટ ફોલો કરે છે તેમના માટે બાજરી એક વરદાન છે.

જોકે, જુહી કપૂરે બાજરી ખાવાની સલાહ આપવાની સાથે સાથે ચેતવણી પણ આપી છે કે 'બાજરીની તાસિર ખૂબ જ ગરમ હોય છે, જેથી તે શિયાળાની ઋતુમાં જ ખાઈ શકાય છે'.

(4:46 pm IST)