મુખ્ય સમાચાર
News of Friday, 19th February 2021

મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર સામે FIR કરાશે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો : પોઝિટિવ લોકોના હાઇ રિસ્કવાળાના સપર્કમાં આવનારા હોમ ક્વોરન્ટાઇન નહીં થાય તો તેમને સજા કરવામાં આવશે

મુંબઇ, તા. ૧૯ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. કોરોનાને રોકવા માટે તંત્ર દોડતું થયું છે ત્યારે હોમ ક્વોરન્ટાઇન અને સીલ બિલ્ડિંગના ઉલ્લંઘન કરનારાઓને સજા આપવામાં આવી શકે છે. બીએમસીએ હોમ ક્વોરન્ટાઇનના નિયમ તોડનારા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા અને પછી તેમને અનિવાર્ય ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇન માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.

કોવિડ ૧૯ પોઝિટિવ લોકોના હાઇ રિસ્કવાળા કોન્ટેક્ટ જો હોમ ક્વોરન્ટાઇન નહીં થાય તો તેમને મુંબઇમાં છ મહિનાની જેલ અથવા ઓછામાં ઓછું ૨૦૦ રૂપિયા દંડ ભરવું પડી શકે છે. મુંબઇમાં ગુરુવારે ૭૩૬ નવા કેસો નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. જે લગભગ ૬ જાન્યુઆરી બાદ સૌથી વધુ કેસ છે. જ્યારે મુંબઇમાં કુલ કેસોની સંખ્યા ૩,૧૬,૪૮૭ થઇ ગઇ છે. જ્યારે ૧૧,૪૩૨ લોકો અત્યાર સુધી મોતને ભેટ્યાં છે. સક્રિય કેસોની સંખ્યા ૪,૭૮૨ થઇ ગઇ છે. કોરોનાના વધતાં કેસોને જોતાં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જનતા કર્ફ્યૂ લદાયો છે. ત્યાં શનિવારે સાંજે છ વાગ્યાથી સોમવારે સવારના આઠ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ રહેશે. બીજી બાજુ, યવતમાલ, અમરાવતી અને અકોલામાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

(7:44 pm IST)