મુખ્ય સમાચાર
News of Sunday, 19th March 2023

અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8-9 દિવસ અને વર્ષમાં માત્ર 80 દિવસઃ ઑસ્ટ્રેલિયામાં હાઈકોર્ટ મહિનામાં બે અઠવાડિયા સુધી સુનાવણી અને બેન્ચ વર્ષમાં 100 દિવસથી ઓછા સમય માટે બેસે છેઃ CJI

નવી દિલ્‍હીઃ  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, કોર્ટમાં જજોનું કામ તેમના કામનો એક અંશ માત્ર હોય છે. તેમણે કહ્યું કે અમે સવારે 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી જે કામ કરીએ છીએ તે અમારા કામનો એક ભાગ છે. જસ્ટિસ ઈન ધ બેલેન્સઃ માય આઈડિયા ઓફ ઈન્ડિયા એન્ડ ધ ઈમ્પોર્ટન્સ ઓફ સેપરેશન ઓફ ધ બેલેન્સ ઈન એ ડેમોક્રસી વિષય પર પોતાના મંતવ્યો રાખતા તેમણે કહ્યું કે, દર શનિવારે સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયાધીશ પોતાનો આદેશ આપે છે, રવિવારે એ જ આદેશ ફરીથી વાંચે છે. જે તેમણે સોમવારે સંભળાવવાનો છે, એટલા માટે સુપ્રીમ કોર્ટના તમામ જજ સાત દિવસ કામ કરે છે.

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટ મહિનામાં 8-9 દિવસ અને વર્ષમાં માત્ર 80 દિવસ કામ કરે છે, જ્યારે ત્યાં કોર્ટ ત્રણ મહિના કામ કરતી નથી. તેવી જ રીતે ઑસ્ટ્રેલિયામાં હાઈકોર્ટ મહિનામાં બે અઠવાડિયા સુધી સુનાવણી કરે છે. બેન્ચ વર્ષમાં 100 દિવસથી ઓછા સમય માટે બેસે છે. કોર્ટમાં બે મહિનાનું વેકેશન છે. સિંગાપોરમાં કોર્ટ વર્ષમાં 145 દિવસ કામ કરે છે, પરંતુ બ્રિટન અને ભારતમાં કોર્ટ 200 દિવસ કામ કરે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, લોકો નથી જાણતા કે ભારતમાં ન્યાયાધીશો તેમનો મોટાભાગનો સમય રજાઓ પર ઓર્ડર લખવામાં વિતાવે છે, જે સુરક્ષિત રાખવામાં આવે છે કારણ કે તેમની પાસે આખું અઠવાડિયું સમય નથી, તેઓ કેસની સુનાવણીમાં વ્યસ્ત છે.

CJIએ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર કહ્યું કે, એ સાચું છે કે અમારી પાસે આવા કેસોની સંખ્યા વધુ છે પરંતુ અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે, પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય ન્યાયતંત્રમાં ટેક્નોલોજી પરિવર્તન લાવવાનું છે. જેમ આપણે કોવિડ સમયગાળા દરમિયાન કર્યું હતું. અમે આખી સિસ્ટમને વીડિયો કોન્ફરન્સિંગ પર લાવ્યા, પરંતુ હવે આપણે તેનાથી આગળ વિચારવું પડશે. હું ઇચ્છું છું કે, નાગરિકોને ખબર પડે કે, કોર્ટમાં શું ચાલી રહ્યું છે, તેથી લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું. અમે બંધારણમાં મંજૂર તમામ ભારતીય ભાષાઓમાં AI દ્વારા ઓર્ડરનો અનુવાદ પણ શરૂ કર્યો છે.

(1:40 pm IST)