મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ : 27 જિલ્લાના 6 લાખથી વધુ લોકો પ્રભવિત: અનેક સ્થળોએ ભુસખ્લન

48 હજારથી વધુ લોકોને 248 રાહત શિબિરોમાં ખસેડાયા :હોજાઈ અને કાચર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા .

આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બેકાબૂ બની છે. એક રિપોર્ટ અનુસાર, પૂરના કારણે આસામના લગભગ 27 જિલ્લાના 6 લાખથી વધુ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ વખતે પણ આસામમાં પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 48 હજારથી વધુ લોકોને 248 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, હોજાઈ અને કાચર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે

આસામમાં સતત વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના બની છે.  જેના કારણે પહાડી વિસ્તારોમાં રેલ્વે ટ્રેક, પુલ અને રોડ કોમ્યુનિકેશનને ભારે નુકસાન થયું છે. દીમા હસાઓમાં ન્યૂ હાફલોંગ રેલવે સ્ટેશન પર પૂરના કારણે એક પેસેન્જર ટ્રેન ફસાઈ ગઈ હતી. પૂરના કારણે હાફલોંગ રેલવે સ્ટેશન કાટમાળમાં ફેરવાઈ ગયું છે.

હાફલોંગ રેલ્વે સ્ટેશન પૂરના વિનાશનો સૌથી મોટો પુરાવો છે. હાફલોંગ રેલ્વે સ્ટેશનના પાટા પાણીમાં ડૂબી ગયા હતા. અહી ટ્રેન અટવાઈ ગઈ છે અને જેસીબી દ્વારા માટી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે આ પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે. કાટમાળ દૂર કરવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે

સૈન્ય દ્ધારા રાહત અભિયાન હેઠળ હોજાઈ જિલ્લાના 2 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ખરાબ હવામાન અને અવિરત વરસાદને કારણે લામડિંગ-બદરપુરના પર્વતીય વિસ્તારોમાં ઘણા સ્થળોએ મોટા પાયે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે પર્વતીય વિસ્તારમાં રેલ્વે ટ્રેક, પુલ, રસ્તાઓ અને સંચાર નેટવર્કને નુકસાન થયું છે.

અચાનક આવેલા પૂરના કારણે બે ટ્રેનો ફસાઇ ગઇ હતી જેમાં પ્રત્યેકમાં 1,400 મુસાફરો સવાર હતા. એક ટ્રેન સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ હતી જે ડિટકછડા સ્ટેશન પર રોકાઈ હતી અને બીજી ગુવાહાટી-સિલચર એક્સપ્રેસ હતી. રેલવે પ્રશાસને એરફોર્સ, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આસામ રાઈફલ્સ અને સ્થાનિક લોકોની મદદથી મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી અને લોકોને બચાવ્યા હતા

(11:46 pm IST)