મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

સાત વર્ષમાં દેશમાં કેટલું કાળું ધન પરત આવ્યું ? કાળા નાણાં મામલે કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

જે લોકોએ સ્વિસ બેંકમાં પૈસા જમા કરાવ્યા તેના નામ જાહેર કરો : સરકારે શ્વેત પત્ર રજૂ કરવું જોઈએ : સ્વિસ બેંકોમાં ભારતીયોના જમા રૂપિયામાં જબરો વધારો થતા કોંગ્રેસ આક્રમકઃ કહ્યું સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો

નવી દિલ્હી :કોંગ્રેસે કોરોના સંક્રમણ અને સ્વિસ બેંકમાં જમા ભારતીયોએ ધનને લઈને કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન મોદી સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યા છે.સ્વિસ બેંકમાં જમા ધનને લઈને કોંગ્રેસે કહ્યું છે કે સરકારે આ બાબતને લઈને બધી જ જાણકારી સામે રાખવી જોઈએ.

કોંગ્રેસે કહ્યું, જે લોકોએ સ્વિસ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, તેમના નામ બતાવવા જોઈએ. સરકારે શ્વેત પત્ર રજૂ કરીને જણાવવું જોઈએ કે સાત વર્ષમાં દેશમાં કેટલું કાળું ધન પરત આવ્યું છે.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને બીજી વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રની સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ઘેરવા માટે બ્લેક મનીના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. કોંગ્રેસ હવે તે વચનને યાદ અપાવીને વર્તમાન સરકારને ઘેરવાની કોશિશમાં છે.

સ્વિટ્ઝલેન્ડે કેન્દ્રી બેંકે ગુરૂવારે વાર્ષિક ડેટા રજૂ કર્યો હતો અને સમાચાર એજન્સી પીટીઆઈએ તેના આધારે જાણકારી આપી હતી કે વર્ષ 2020માં સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના પૈસામાં ઐતિહાસિક વધારો થયો છે. વર્ષ 2019માં આ રકમ 6625 કરોડ રૂપિયા હતા જે 2020માં 20,700 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

 ઉપરાંત કોરોના સંક્રમણ દરમિયાન અર્થવ્યવસ્થાનો મુદ્દા ઉઠાવતા કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, સંક્રમણની બીજી લહેર દરમિયાન જ્યારે લોકોના સ્વાસ્થ્ય સુવિધાઓની જરૂરત હતી ત્યારે વડાપ્રધાન મોદી બંગાળ ચૂંટણીમાં વ્યસ્ત હતા.સિબ્બલે કહ્યું કે, તે વાતમાં કોઈ આશંકા નથી કે મોદી શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સિબ્બલે કહ્યું, વિશ્વસનીય રાજકારણનું વિકલ્પ ના હોવાનો અર્થ તે નથી કે તેઓ (વડાપ્રધાન મોદી) તે વિચારીને પોતાના કર્તવ્યોનું પાલન કરવાનું છોડી દે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત છે.

એક વડાપ્રધાને તે સમયે લોકો સાથે ઉભેલા હોવું જોઈતું હતુ જ્યારે તેઓ મહામારી વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓની શોધમાં હોસ્પિટલમાં ભટકી રહ્યાં હતા, ત્યારે તેઓ પશ્ચિમ બંગાળ, અસમની વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય લીડ બનાવવાની કોશિશમાં વ્યસ્ત હતા.

સિબ્બલે કહ્યું કે, તેઓ માને છે કે, આ સમયે મજબૂત રાજકીય વિકલ્પ હાજર નથી અને તેથી તેઓ પોતાની પાર્ટીમાં(કોંગ્રેસમાં) રિફોર્મની વાત કરી રહ્યાં છે જેથી દેશમાં મજબૂત અને વિશ્વસનિય વિપક્ષ હાજર રહે.

(11:33 pm IST)