મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

ઉત્તરાખંડ સરકારને હાઇકોર્ટનો સવાલ : ચાર ધામ યાત્રા ફરીથી ખુલ્લી મુકતા પહેલા મેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરી છે ? : રાજ્ય સરકારે રજૂ કરેલી એફિડેવિટમાં અનેક ખામીઓ હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

ઉત્તરાખંડ : ચાર ધામ યાત્રા ફરીથી ખુલ્લી મુકવાના આયોજન અંગે ઉત્તરાખંડ રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે આ એફિડેવિટમાં અનેક ખામીઓ હોવાની ટિપ્પણી કરી હતી. અને સવાલ કર્યો હતો કે ચાર ધામ યાત્રા ફરીથી ખુલ્લી મુકતા પહેલા મેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરી છે ? .

આ અગાઉ રાજ્ય સરકારે કોવિદ -19 સંજોગોને કારણે 22 જૂન સુધી ચાર ધામ યાત્રા ખુલ્લી નહીં મુકવામાં આવે તેવું જાહેર કર્યું હતું. જે ફરીથી ખુલ્લી મુકવા માટે પર્યટન સચિવ દિલીપ જાવલકરે સૂચન કરતા
ચીફ જસ્ટિસ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ આલોકકુમાર વર્માની ડિવિઝન બેંચે યાત્રાના વિવિધ તબક્કાઓનો વિગતવાર અહેવાલ રજૂ કરવા  નિર્દેશ આપ્યો હતો.

ઉપરાંત કેદારનાથ મંદિરના સોળ કિલોમીટરની યાત્રાના રૂટમાં સેનિટાઇઝેશન , તેમજ  સ્વચ્છતા માટેની ઇન્ફાસ્ટ્રકચર સુવિધાઓ તથા સાધનો અંગેની વિગતો પણ માંગી  હતી.

ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન રાજ્યના સંસ્કૃતિ અને ધાર્મિક બાબતો વિભાગના એડિશનલ સેક્રેટરીએ આ યાત્રા માટે કરવામાં આવતી સલામતીની વ્યવસ્થા અંગે કોર્ટને ખાતરી આપવા 15 જૂને સોગંદનામું સોંપ્યું હતું. જેમાં અનેક ખામીઓ હોવાની નામદાર કોર્ટે ટિપ્પણી કરી હતી. તથા મેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરી છે કે કેમ તે અંગે જાણકારી માંગી હતી.તેમજ દેવસ્થાનના પુજારીઓના વેક્સિનેશન અંગે પણ પૃચ્છા કરી હતી.

આગામી સુનાવણી 23 જૂનના રોજ થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:02 pm IST)