મુખ્ય સમાચાર
News of Friday, 19th August 2022

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત

કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતનારી હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે

નવી દિલ્લી : કોમનવેલ્થ ગેમ્સ 2022માં યજમાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પોતાના ઘરમાં ખાલી હાથે રહેવું પડ્યું હતું. જે બાદ હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતનારી હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમને આવતા મહિને મર્યાદિત ઓવરોની સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ત્યારે અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ODI ટીમમાં પુનરાગમન કર્યું છે.

આ ટીમ સિલેક્શનની સૌથી મહત્વની બાબત અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની વાપસી છે. યુવા વિકેટકીપર યાસ્તિકા ભાટિયા, જે CWGમાં 'પરફોર્મ' કરવામાં નિષ્ફળ ગઇ હતી તેને T20માંથી બહાર કરી દેવામાં આવી છે. વરિષ્ઠ મહિલા પસંદગી સમિતિએ ત્રણ મેચની T20I શ્રેણી માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તે જ સમયે, ત્રણ મેચોની વન-ડે શ્રેણી માટે 18 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. ODI અને T20 ટીમમાં અમુક ખેલાડીઓને બાદ કરતાં મોટા ભાગના નામ અપેક્ષા મુજબના જ છે. રેણુકા ઠાકુર અને મેઘના સિંહને પણ શ્રીલંકા પ્રવાસ બાદ CWGમાં તેમના સારા પ્રદર્શન માટે બંને ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું છે. હન્ડ્રેડ દરમિયાન ઈજાગ્રસ્ત બેટ્સમેન જેમિમા રોડ્રિગ્ઝને પણ બંને ટીમોમાં જગ્યા મળી છે.

(11:53 pm IST)