મુખ્ય સમાચાર
News of Saturday, 19th November 2022

મ્‍યુચુઅલ ફંડ તેમજ ક્રિપ્‍ટોમાં રોકાણ કરવામાં મહિલાઓ અગ્રેસર

વધતી મોંઘવારી અંગે વધુ ગંભીર : રિટાયરપ્‍લાનિંગમાં પણ મહિલાઓ પુરૂષોથી આગળ : બચત ખાતું, વીમો, શેરબજાર, સરકારી સિક્‍યોરિટિસમાં રોકાણ કરવા મામલે પુરૂષો આગળ

નવી દિલ્‍હી તા. ૧૯ : ભવિષ્‍યની જરૂરિયાતોને જોતા બચત સાધનોમાં રોકાણ કરવામાં મહિલાઓ પુરૂષો કરતાં આગળ છે. તેઓ માત્ર રોકાણના પરંપરાગત માધ્‍યમ ફિક્‍સ્‍ડ ડિપોઝિટમાં જ નાણાંનું રોકાણ નથી કરી રહ્યા, પરંતુ મ્‍યુચ્‍યુઅલ ફંડ અને ક્રિપ્‍ટોમાં રોકાણ કરવામાં પણ પાછળ નથી. બેન્‍કબઝારના એક રિપોર્ટ અનુસાર, ૫૯.૯૨ ટકા મહિલાઓ મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે.

પુરૂષોના કિસ્‍સામાં, આ આંકડો ૫૫.૫૭% છે. ૫૪.૨૫% મહિલાઓ પાસે FD છે, જયારે માત્ર ૫૩.૬૪% પુરુષો FDમાં પૈસા જમા કરાવે છે. ૩૪.૨૮% મહિલાઓએ ક્રિપ્‍ટોમાં રોકાણ કર્યું છે, જયારે પુરુષો માટે આ આંકડો ૩૦.૧૯% છે. આ સર્વે ૧,૬૭૫ લોકો સાથેની વાતચીત પર આધારિત છે.

નિવૃત્તિના આયોજનમાં પણ મહિલાઓ પુરૂષો કરતાં ઘણી આગળ છે. સર્વેક્ષણમાં સામેલ ૬૦ ટકા ઉત્તરદાતાઓ નિવૃત્તિ ભંડોળ માટે રોકાણ કરે છે. જેમાં મહિલાઓનો હિસ્‍સો ૬૮ ટકા છે જયારે પુરુષોનો હિસ્‍સો ૫૪ ટકા છે.

સામાન્‍ય રીતે લોકો ૨૦-૩૦ વર્ષની વય વચ્‍ચે રિટાયરમેન્‍ટ ફંડ બનાવવાનું શરૂ કરે છે. ૨૨-૨૭ વર્ષની વય જૂથની ૫૫% સ્ત્રીઓ (પ્રારંભિક નોકરી કરનારાઓ) રૂ. ૧ કરોડ કે તેથી વધુનું નિવૃત્તિ ફંડ બનાવવા માંગે છે. એકંદરે, ૪૮ ટકા મહિલાઓ રૂ. ૧ કરોડ કે તેથી વધુનું ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે, જયારે માત્ર ૪૦ ટકા પુરુષો પાસે આવી યોજના છે.

માત્ર ૧૫% મહિલાઓ ૨ કરોડ કે તેથી વધુના ફંડમાં રોકાણ કરે છે. પુરુષો ૧૮% શેર સાથે આગળ છે.

સર્વે મુજબ, કોરોના સંકટને ધ્‍યાનમાં રાખીને, ૬૯ ટકા લોકો હોસ્‍પિટલમાં દાખલ થવા જેવા ઇમરજન્‍સી ખર્ચથી બચવા માટે વધુ બચત કરી રહ્યા છે. ૫૯ ટકા લોકો બાળકોના સારા ઉછેર અને શિક્ષણ માટે પૈસા બચાવી રહ્યા છે અને ૪૨ ટકા લોકો નિવૃત્તિ માટે પૈસા બચાવી રહ્યા છે.

(11:31 am IST)