મુખ્ય સમાચાર
News of Friday, 20th January 2023

કુસ્‍તીબાજોનો વિરોધઃ મહિલા રેસલર્સે યૌન ઉત્‍પીડનની લેખિત ફરિયાદ આપીઃ બ્રિજભૂષણ સિંહની મુશ્‍કેલીઓ વધી શકે છે

કુસ્‍તી મહાસંઘ સામે કુસ્‍તીબાજોની હડતાલ ચાલુ : વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત દેશના લગભગ ૩૦ કુસ્‍તીબાજોએ બુધવારે રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્‍યો અને વિરોધ શરૂ કર્યોઃ ખેલાડીઓએ કહ્યું કે મહિલા રેસલરોનું યૌન શોષણ થાય છેઃ તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૨૦: દેશના પ્રખ્‍યાત કુસ્‍તીબાજો સતત ત્રીજા દિવસે જંતર-મંતર ખાતે ભારતીય કુસ્‍તી મહાસંઘ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્‍ચે વિરોધ કરી રહેલા કુસ્‍તીબાજોએ ભારતીય ઓલિમ્‍પિક એસોસિએશનમાં રેસલર્સની જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવી છે. એવું માનવામાં આવે છે કે હવે WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણની મુશ્‍કેલીઓ વધુ વધી શકે છે.

ભારતીય ઓલિમ્‍પિક એસોસિએશન સાથેની ફરિયાદમાં જણાવાયું છે કે વિનેશ ફોગટને માનસિક સતામણીનો સામનો કરવો પડ્‍યો છે અને તેને ટોકયો ઓલિમ્‍પિકમાંથી બહાર કર્યા બાદ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી.

હડતાલનો આજે ત્રીજો દિવસ છેઃ વાસ્‍તવમાં, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત દેશના લગભગ ૩૦ કુસ્‍તીબાજોએ બુધવારે રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્‍યો અને વિરોધ કરવાનું શરૂ કર્યું. ખેલાડીઓએ કહ્યું કે મહિલા રેસલરોનું યૌન શોષણ થાય છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. WFI પ્રેસિડેન્‍ટ ખુલ્લેઆમ કુસ્‍તીબાજોને અપશબ્‍દો અને દુર્વ્‍યવહાર કરે છે. કુસ્‍તીબાજોનો દાવો છે કે રેસલિંગ ફેડરેશન નિયમોના નામે કુસ્‍તીબાજોને હેરાન કરે છે.

કુસ્‍તીબાજોના ગંભીર આરોપો બાદ રમત મંત્રાલય આ મામલે એક્‍શનમાં છે. બુધવારે રાત્રે જ રેસલિંગ ફેડરેશનને ખુલાસો આપવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો અને ૭૨ કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્‍યું હતું. ૧૮ જાન્‍યુઆરીથી લખનૌમાં યોજાનાર કેમ્‍પને રદ કરવામાં આવ્‍યો છે. અનુરાગ ઠાકુરે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે પણ વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રમત મંત્રાલય રેસલિંગ ફેડરેશનથી ખુશ નથી. રમતગમત મંત્રાલય પગલાં લેવાનું વિચારી રહ્યું છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે રાત્રે વિરોધ કરી રહેલા કુસ્‍તીબાજો સાથે બેઠક કરી હતી. આટલું જ નહીં અનુરાગ ઠાકુર આજે કુસ્‍તીબાજો સાથે બેઠક પણ કરશે. ખેલ મંત્રાલયે આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવાનું પણ સૂચન કર્યું છે. જોકે, કુસ્‍તીબાજો કુસ્‍તી મહાસંઘને વિખેરી નાખવાની માંગ કરી રહ્યા છે.

બ્રિજભૂષણ શરણ સિંહ રાજીનામું નહીં આપવા પર અડગ છે. બ્રિજ ભૂષણ શરણ સિંહ દાવો કરે છે કે તેમના સમર્થનમાં ઘણા એથ્‍લેટ છે. આ પહેલા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે, જો તેમના પર લાગેલા આરોપ સાચા હોય તો તેઓ ફાંસી પર લટકાવવા માટે તૈયાર છે.

શુક્રવારે જ્‍યારે બ્રિજભૂષણ શરણ સિંહને પૂછવામાં આવ્‍યું કે શું તેમની ગળહમંત્રી અમિતભાઇ શાહ સાથે કોઈ વાત થઈ છે? આ અંગે બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે, તેમણે હજુ સુધી કોઈની સાથે વાત કરી નથી. તેને એક કાર્યક્રમમાં જવાનું છે. સાંજે ૪ વાગ્‍યે તેઓ મીડિયાની સામે પોતાની વાત રાખશે. તેમણે ફરી એકવાર રાજીનામું આપવાનો ઈન્‍કાર કરી દીધો છે.

(4:03 pm IST)