કોરોના નિયમોનો ભંગ કરનારી સ્ત્રીને પોલીસે કીસ કરીને છોડી
પેરૂમાં અત્યંત આઘાતજનક ઘટના સામે આવી : વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયો અને સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી
પેરૂ, તા. ૧૯ : પેરૂમાં એક ખૂબ જ શોકિંગ ઘટના સામે આવી છે અને તેના કારણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરનારી મહિલાને દંડ ફટકારવાના બદલે કિસ કરીને તેને છોડી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં પોલીસકર્મી તે મહિલાની વિગતો નોટપેડમાં નોંધી રહ્યો હોય છે. ત્યાર બાદ તે મહિલા પોલીસકર્મીની ખૂબ જ નજીક આવી રહેલી જણાય છે. ગણતરીની સેકન્ડ્સમાં જ પોલીસ અધિકારી પોતાનો વિચાર બદલી દે છે અને બંને કિસ કરી દે છે.
હાલ તે પોલીસકર્મીનું નામ સામે નથી આવ્યું પરંતુ પેરૂની રાજધાની લીમાના અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસકર્મીને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધો છે. જાણવા મળ્યા મુજબ તે અધિકારી પર પહેલા કોઈ પણ પ્રકારનો આરોપ નથી લાગેલો અને તેનો રેકોર્ડ એકદમ ક્લીયર હતો.
મિરાફ્લોરેસ જિલ્લાના સુરક્ષા પ્રભારીના કહેવા પ્રમાણે કેસ સામે આવ્યા બાદ મેયરે તરત તે અધિકારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એક અજ્ઞાત મહિલા સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તે અધિકારીએ મહિલાને તે માટે મંજૂરી આપી. એટલું જ નહીં, પોતાનું માસ્ક ઉતારીને તે મહિલાને કિસ પણ કરી.