મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

ઇન્ડિયા સ્કિલ્સના રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

લ્યો બોલો... ભારતના ૫૦ ટકા ગ્રેજ્યુએટ નોકરીને લાયક જ નથી

નવી દિલ્હી તા. ૨૦ : મોદી સરકાર ભારતને નજીકના વર્ષોમાં વિશ્વનું અગ્રણી તેમજ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના દાવા કરી રહી છે, પરંતુ ઈન્ડિયા સ્કિલ્સના એક રિપોર્ટ મુજબ ભારતના ૫૦ ટકા જેટલા ગ્રેજયુએટ્સ નોકરી મેળવવા માટે લાયક જ નથી. દેશના માત્ર ૪૫.૯ ટકા ગ્રેજયુએટ્સ જ નોકરી મેળવવાને લાયક છે. આ રિપોર્ટમાં નોકરીઓ માટે હવે મહિલાઓ પહેલી પસંદ બની રહી હોવાનું જણાવાયું છે.

ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટની આઠમી આવૃત્ત્િ। મુજબ ભારતના માત્ર ૪૫.૯ ટકા ગ્રેજયુએટ જ નોકરી મેળવવાને લાયક છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૬.૨૧ ટકા અને ૨૦૧૮-૧૯માં ૪૭.૩૮ ટકા ગ્રેજયુએટ્સ નોકરી માટે લાયક હતા. આ વખતે ચારથી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વ્હીબોકસ અને ટેગ્ડ નામની ખાનગી કંપનીઓએ સીઆઈઆઈ અને સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તથા ભારતમાં ટેકનિકલ શિક્ષણની નિયામક સંસ્થા એઆઈસીટીઈ સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

રિપોર્ટ મુજબ ૨૦૨૧માં બેન્કિંગ અને નાણાં ક્ષેત્રમાં સૌથી વધુ લોકોને નોકરી મળવાની સંભાવના છે. ત્યાર પછી સ્વાસ્થ્ય ક્ષેત્ર, ઓટો, રિટેલ, લોજિસ્ટિકસ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ નોકરીઓ મળશે જયારે બીજા ક્રમે કર્ણાટક અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્રમાં અન્ય રાજયો કરતાં વધુ નોકરીઓ મળશે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે અને પુરુષો કરતાં મહિલાઓ નોકરી મેળવવા માટે વધુ લાયક છે. જોકે, કંપનીઓને લોકોની ભરતી કરવાના આશય અંગે પૂછવામાં આવતાં તેઓ મહિલાઓની જગ્યાએ પુરુષોની ભરતી કરવાનું વધુ પસંદ કરતી હોવાનું જણાયું છે. ૨૦૨૦માં 'હાયરીંગ ઈન્ટેન્ટ'ની પુરુષો અને મહિલાઓની સરેરાશ ૭૧:૨૯ હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે, છતાં મહિલાઓની સરખામણીમાં પુરુષોને નોકરીની તકો વધુ મળે છે. ભારતમાં નોકરી કરનારા કર્મચારીઓમાં અંદાજે ૬૪ ટકા પ્રોફેશનલ્સ પુરૂષ અને ૩૬ ટકા મહિલાઓ છે. મહિલાઓ સૌથી વધુ ૪૬ ટકા બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેકટરમાં કામ કરી રહી છે જયારે ઓનલાઈન બિઝનેસમાં મહિલાઓની સંખ્યા ૩૯ ટકા છે. પુરુષોની બાબતમાં જોઈએ તો સૌથી વધુ ૭૯ ટકા પુરુષો ઓટોમોટીવ સેકટરમાં કામ કરી રહ્યા છે જયારે ૭૫ ટકા લોજિસ્ટિક સેકટરમાં અને ૭૨ ટકા કોર એન્ડ એનર્જી સેકટરમાં કામ કરે છે.

આ રિપોર્ટમાં બી.ટેક અને એમબીએ કરનારા યુવાનોને નોકરી મેળવવા માટે સૌથી વધુ લાયક ગણાવાયા છે. ૨૦૧૯માં પહેલા ક્રમ પર એમબીએ હતું અને ૨૦૧૮માં બી.ટેક, બી.ફાર્મ, બી.કોમ અને બી.એ. કરનારા યુવાનોની યોગ્યતામાં વધારો થયો હતો. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના યુવાનોને અન્ય રાજયોની સરખામણીમાં નોકરી માટે વધુ લાયક ગણવામાં આવ્યા છે.

(10:17 am IST)