મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

કઈ રીતે કાબૂમાં આવશે પેટ્રોલ-ડીઝલની કિંમત? : નાણાં મંત્રીએ સૂચવ્યો ઉપાય કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ રિટેઈલ ફ્યૂઅલ પ્રાઈઝ ઓછી કરવા માટે વાત કરવી જોઈએ

નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે વિપક્ષ સતત સરકારની નીતિઓની ટીકા કરી રહ્યું છે. એવા સમયે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો એક મોટી સમસ્યા છે. જેમાં કિંમતો ઓછી કરવા સિવાય કોઈ પણ જવાબ કોઈને સંતુષ્ટ નહીં કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ ગ્રાહકો માટે યોગ્ય સ્તરે રિટેઈલ ફ્યૂઅલ પ્રાઈઝ ઓછી કરવા માટે વાત કરવી જોઈએ.

આ સાથે જ તેમણે જણાવ્યું કે, OPEC દેશોએ ઉત્પાદન માટે જે અંદાજો લગાવ્યો હતો, તે પણ નીચે જવાની સંભાવના છે, જે ચિંતાજનક છે. ક્રૂડ ઑઈલની કિંમત પર સરકારનું નિયંત્રણ નથી. ઑઈલ કંપનીઓ ક્રૂડ ઑઈલ આયાત કરે છે, રિફાઈન કરે છે અને વેચે છે

પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોમાં આજે પણ કોઈ રાહત નથી મળી. આજે સતત 12માં દિવસે કિંમતો વધારવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટર વધીને 90.58 રૂપિયા પર પહોંચી ગયો. ડીઝલ પર 37 પૈસા ઉછળીને 80.97 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. દેશના રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 101.55 રૂપિયા પ્રતિલીટર નોટઆઉટ છે. જ્યારે મધ્ય પ્રદેશના ભોપારમાં પેટ્રોલ 100 રૂપિયાથી માત્ર 40 પૈસા દૂર છે

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બ્રાન્ડેડ પેટ્રોલ પહેલાથી 100ની પાર પહોંચી ગયું છે. શ્રીગંગાનગરમાં બ્રાન્ડેડ પેટ્રોલ 104 રૂપિયા, તો ડીઝલ 96.90 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ભોપાલમાં આજ પેટ્રોલની કિંમત 101.51 રૂપિયા પ્રતિ લીટર છે.

વર્ષ 2021માં પેટ્રોલ અત્યાર સુધી 6.46 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. જો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર 24 દિવસ જ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી. જ્યારે આ 24 દિવસમાં ડીઝલ 6.77 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. છેલ્લા 10 મહિનામાં તેની કિંમતમાં અંદાજે 17 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો અગાઉની સરકારોએ ઉર્જા આયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત, તો મધ્યમ વર્ગને આવી સમસ્યાનો સામનો ના કરવો પડત. શું આપણે આયતા પર આટલું નિર્ભર રહેવું જોઈએ?Petrol Price
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચાર્જ જોડ્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકારો વેટ હટાવી દે, તો ડીઝલ અને પેટ્રોલની કિંમતો લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય. જો કે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બન્ને કોઈ પણ કિંમતે ટેક્સ નથી હટાવી શકતી, કારણ કે રેવન્યૂનો એક મોટો હિસ્સો અહીંથી જ આવે છે. આજ પૈસા દેશના વિકાસ પાછળ ખર્ચાય છે.

હકીકતમાં વિદેશી કરન્સી રેટની સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતોના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. ઓઈળ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઑઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરે છે

(7:29 pm IST)