મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

રાહુલ ગાંધી અને મમતાએ ભલે બ્રેક મારી પણ ભાજપની રેલી થશે જ : નડ્ડાએ કહ્યું અમે બંગાળમાં 500 લોકોથી વધારેની રેલી કાઢીશું નહીં.

નડ્ડાએ કહ્યું - આટલી જ સંખ્યામાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓની સભાઓ પણ થશે

નવી દિલ્હી : દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક બની ગઈ છે. પ્રતિદિવસ અઢી લાખથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. હેલ્થ સિસ્ટમ સાથ આપી રહી ના હોવાથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વચ્ચે બીજેપી તરફથી જે.પી નડ્ડાએ નિવેદન આપ્યું છે કે, અમે બંગાળમાં 500 લોકોથી વધારેની રેલી કાઢીશું નહીં. તે ઉપરાંત તેમને કહ્યું કે, આટલી જ સંખ્યામાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓની સભાઓ પણ થશે..

કદાચ નડ્ડા એવું કહેવા માંગે છે કે, ગમે તેવી પરિસ્થિતિ ભલે ના આવે, ચૂંટણી તો જીતીને જ રહીશું. તેમાં પણ વડાપ્રધાન તો પ્રચાર કરવા આવશે જ અને તેની સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીનો પ્રચાર કરશે જ. ભલે તેઓ અહીં રેમડેસિવિર અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં મદદ ના કરે પરંતુ ચૂંટણીમાં પ્રચાર કરવું મહત્વપૂર્ણ છે. મમતાને હરાવવી જ છે.

બીજેપીએ પોતે જ સ્પષ્ટતા કરી કે, રેલી તો થવાની, ભલે 500 તો 500, પણ રેલી તો થવાની જ… વડાપ્રધાન પણ આવવાના, તેઓ ભાષણ પણ આપવાના, કદાચ હાલમાં ભાષણ લખાઈ રહ્યાં હશે, ક્યાં શું બોલવું… તેથી જ બીજેપીએ દેશવાસીઓને માહિતી આપી દીધી છે કે, રેલી તો થવાની જ…

દેશની જનતાએ તે વાત પણ યાદ રાખવી પડશે કે, લગ્ન પ્રસંગ અને અન્ય સારા-નરસા પ્રસંગમાં 50થી વધારે લોકોને એકઠા કરવા નહીં. કદાચ ભોળી જનતા 500ની મર્યાદા સમજી રહી હોય. પરંતુ એવું નથી, તમારે તો માત્ર 50 જ બોલાવવાના છે, 500 ભેગા કરવા હોય તો સાથે એકાદ બીજેપીના નેતાને પણ બોલાવવો ફરજિયાદ થઈ જાય છે. નહીંતર તમે તબલીગી જમાતની જેમ કોરોના ફેલાનારાઓના લિસ્ટમાં આવી શકો છો.. મસમોટા દંડ સહિત જેલની હવા પણ ખાવી પડી શકે છે.

(9:56 am IST)