મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

મને વેકિસનથી નહીં, દારૂના પેગથી કોરોના નહીં થાય

દિલ્હીમાં દારૂની દુકાન આગળ ઉભેલી મહિલાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી,તા. ૨૦: દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રોજે-રોજ ચેપના નવા કેસોથી લોકોમાં ભય ફેલાયો છે. હાલ સૌ કોઈના મનમાં એકજ સવાલ છેકે હવે મને તો ચેપ નહીંલાગે ને ? આ દરમિયાન દિલ્હીની સરકારે કોરોના વાયરસના વધી રહેલા કેસો પર કાબુ મેળવવા માટે કર્ફયુની જાહેરાત કરી દીધી છે, પરતુ આ દરમિયાન લોકોને જરૂરી સામાન અને દવાઓ લાવવાની છૂટ અપાઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, આ વીડિયોમાં મહિલા કોઈ દવાની દુકાને નહીં પરતુ દારૂની દુકાન આગળ ઉભી છે. મહિલાના આ વીડિયો પર લોકોની સાથે સાથે સેલેબ્રિટીના પણ રિએકશન આવી રહ્યા છે. બોલીવુડ એકટર આફતાબ શિવદાસાનીએ પણ આ વીડિયોએ પર કોમેન્ટ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા દારૂ ખરીદવા લાઈનમાં ઊભી છે. મહિલાનું કહેવું છે કે મને ઈન્જેકશનથી નહીં પરતુ પેગથી ફાયદો થશે. જયારે મહિલાને પૂછવામાં આવ્યું કે અહીંયા શું લેવા આવ્યા છો તો મહિલા કહે છે કે અમે અહીંયા બે પઉઆ એટલે કે કવાર્ટરની બોટલ લેવા આવ્યા છીએ. તમે દારૂ લેવા કેમ આવ્યો છો તેવા એક પ્રશ્નના જવાબમાં મહિલાએ જણાવ્યું હતું કે દારૂમાં આલ્કોહોલ હોય છે, મને ઈન્જેકશન ફાયદો નહી કરે પરતુ આલ્કોહોલ ફાયદો કરશે. ત્યારબાદ મહિલાએ કહ્યુંકે તે ૩૫ વર્ષથી દારૂ પીવે છે, આજ સુધી કોઈ ડોઝ લેવો પડ્યો નથી. હમણાં સુધી હોસ્પિટલ જવાથી બચી છું અને આગળ પણ હોસ્પિટલ જવું પડશે નહી. આ વીડિયો પર બોલીવુડ અભિનેતા આફતાબ શિવદાસાનીએ રી-ટ્વીટ કરતાં લખ્યું કે આ મહિલા મહાન છે. અન્ય યૂઝર્સ પણ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યાને પગલે રાજધાની દિલ્હીમાં ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. સવારથી જ દિલ્હીમાં લોકડાઉનને લઈને લોકોમાં અટકળો ચાલી રહી હતી. જેને પગલે લોકડાઉન દરમિયાન જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓની અછત ના સર્જાય તે માટે લોકોએ કરિયાણાથી લઈને દવા અને દારૂની દુકાનો પર લાંબી લાઈનો લગાવી દીધી હતી.

(10:20 am IST)