મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

ભારતમાં હાહાકાર મચાવનાર ડબલ મ્યુટન્ટ શું છે ?

દુનિયાભરમાં ભારતીયોની એન્ટ્રી પર લગાવાઇ રહયા છે પ્રતિબંધ

નવી દિલ્હી, તા., ૨૦: ભારતમાં કોરોના સંક્રમણની બેકાબુ ઝડપ માટે અહી મળી આવેલ ડબલ મ્યુટન્ટને જવાબદાર ગણાવાઇ રહયો છે. દુનિયાભરમાં આ નયા વેરીયન્ટ  અંગે હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે. પરિસ્થિતિ એવી છે કે બ્રિટન અને પાકિસ્તાને ભારતને રેડલીસ્ટમાં મુકી દીધું છે. એટલે કે હવે આ દેશોમાં ભારતીયોની એન્ટ્રી હાલમાં નહી થઇ શકે. કોરોનાનો આ નવો વેરીયન્ટ અત્યાર સુધીમાં વિશ્વના દસ દેશોમાં જોવા મળ્યો છે.

આ વેરીયન્ટને વૈજ્ઞાનીક રીતે બી.આઇ.૬૧૭  નામ અપાયું છે.જેમાં બે પ્રકારના મ્યુટેશન છે. ઇ ૪૮૪ કયુ અને એલ ૪પર આર સરળ ભાષામાં સમજવુ હોય તો તે વાયરસનું એક એવું સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઇ ચુકયા છે. આમ તો વાયરસના જીનોમીક વેરીયન્ટમાં ફેરફાર થવા સામાન્ય વાત છે. ખરેખર તો વાયરસ પોતાને લાંબા સમય સુધી અસરકારક રાખવા માટે સતત પોતાની જીનેટીક સંરચનામાં ફેરફાર કરતો રહે છે. જેથી તેને મારી ન શકાય.

જયારે વાયરસના બે મ્યુટેટેડ સ્ટ્રેન મળીને ત્રીજો સ્ટ્રેન બને ત્યારે ડબલ મ્યુટેશન બને છે. ભારતમાં નોંધાયેલ ડબલ મ્યુટંટ વાયરસ ઇ ૪૮૪ કયુ અને એલ ૪પર આર મળવાથી બનેલો છે. એલ ૪પર આર અમેરીકાના કેલીફોર્નીયામાં મળી આવે છે અને ઇ ૪૮૪ કયુ ભારતનો છે. આ ડબલ મ્યુટન્ટ વાયરસની ઓળખ દેશના ઓછામાં ઓછા પાંચ રાજયોમાં થઇ ચુકી છે. પણ સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે આ ડબલ મ્યુટેશનની શરૂઆત મહારાષ્ટ્રમાં થઇ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશ  રાજયોમાં ડબલ મ્યુટન્ટ વાળા વાયરસ જોવા મળ્યા છે. આ મ્યુટન્ટ કોવીદ-૧૯ કેસોની સંખ્યામાં ઝડપી વધારામાં ભુમીકા ભજવી રહયા છે. ઇ ૪૮૪ કયુ અને એલ ૪પર આર આ બન્ને વધારે સંક્રમણ દર માટે જાણીતા છે અને હવે તે બન્ને સાથે મળી ગયા હોવાથી તે અનેક ગણું ખતરનાક રૂપ ધારણ કર્યુ છે.

(11:32 am IST)