મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

મહારાષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફરી વખત ચર્ચામાં: ૨૩ વર્ષના ભત્રીજા તન્મયે કોરોના રસી લેતા વિવાદ સર્જાયોઃ કોંગ્રેસ દ્વારા ધરપકડની માંગણી

નાગપુર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે. વખતે ચર્ચાંનું કારણ તેમનો ભત્રીજો તન્મય ફડણવીસ છે. હકીકતમાં તન્મયની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લેવાનો દાવો કરી રહ્યો છે.

તન્મયની પોસ્ટ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસે એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રીના ઓછી વયના ભત્રીજાએ વૅક્સિન લીધી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, હાલ જ્યારે 45 વર્ષથી ઓછી વયના લોકોનું વૅક્સિનેશન નહતુ થઈ રહ્યો, ત્યારે ભાજપ નેતાના ભત્રીજાને આખરે વૅક્સિન કેવી રીતે મળી ગઈ? કોંગ્રેસે માંગ કરી છે કે, ઉદ્ધવ સરકાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ભત્રીજા તન્મયની તાત્કાલીક ધરપકડ કરે.

કોંગ્રેસે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, મોદી સરકારે 45 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિન લેવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ફડણવીસના ભત્રીજા તન્મયે કેવી રીતે વૅક્સિન લીધી? ભાજપ નેતાઓ માટે પરિવારજનોનું જીવન અગત્યનું છે. શું સામાન્ય નાગરિકના જીવનની કોઈ કિંમત નથી?

સિવાય કોંગ્રેસ નેતા શ્રીવત્સે પણ પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરનો સ્ક્રીનશૉટ ટ્વીટ કર્યો છે. શ્રીવત્સે ટ્વીટમાં સવાલ પૂછ્યો છે કે, પ્રિય દેવેન્દ્ર ફડણવીસ જી, શું તમારા ભત્રીજાની ઉંમર 45 વર્ષ છે? જો ના તો તે વૅક્સિન મેળવવા માટે કંઈ રીતે યોગ્ય છે? રેમડેસિવિરની જેમ શું તમે વૅક્સિનની પણ સંગ્રહખોરી કરી રહ્યા છો અને પોતાના પરિવારના સભ્યોને આપી રહ્યાં છો. વૅક્સિનની કમી છે, પરંતુ ફડણવીસનો પરિવાર સુરક્ષિત છે.

(5:18 pm IST)