મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

કથાકાર પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણે એમપીમાં જઇ કળા કરી ! મહિલાઓ દોડી પોલીસ સ્‍ટેશન : ભાવનગરથી થઇ ધરપકડ

ઇન્‍દોરની ત્રણ હજાર મહિલાઓ સાથે ભાવનગર જિલ્લાના કથાકારે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્‍યું

ઇન્‍દોર તા. ૨૦ : ઇન્‍દોરની ૩ હજાર મહિલાઓ સાથે ભાવનગર જિલ્લાના કથાકારે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્‍યું છે. આ મામલો પોલીસ સ્‍ટેશને પહોંચતા પોલીસે તપાસ કરી હતી અને કથાકાર અત્‍યારે જેલની હવા ખાઈ રહ્યા છે. આ ઘટના સામે આવતા અનેક શ્રધ્‍ધાળુઓના હોશ ઉડી ગયા છે. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્‍દોરની દ્વારકાપુરી પોલીસે શહેરની ૩,૦૦૦થી વધુ મહિલાઓને છેતરનાર ગઠિયાની ધરપકડ કરી છે. તેણે કથાના નામે ૪૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્‍યું છે. કથાકાર સામે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ પોલીસ દ્વારા કથાકારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની સંભાવના છે

આ બનાવની વિગતો મુજબ ઈન્‍દોરના દ્વારકાપુરી પોલીસે કથા કહેવાના નામે મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ભાગી જનાર કથાકારની ધરપકડ કરી હતી. કથાકારનું નામ પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણ છે. તે ભાવનગર જિલ્લાના પોટાડા ગામનો રહેવાસી છે.

પ્રભુ મહારાજ ઉર્ફે અજિતસિંહ ચૌહાણે ફેબ્રુઆરી ૨૦૨૧માં ઈન્‍દોરના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું. તેમાં તેણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં જ હરિદ્વારમાં તેની બીજી કથા હશે. આ દરમિયાન હજારો મહિલાઓએ પંડિતજી પાસે ૧૦૦૦થી ૫૦૦૦ની રકમ જમા કરાવી હતી. મહિલાઓએ કથામાં જવા માટે ભાડુ અને ત્‍યાં રહેવાના પૈસા પણ ચૂકવ્‍યા હતા. આ રીતે કથાકાર પાસે કુલ ૪૦ લાખ રૂપિયા એકઠા થયા હતા.

કથાકાર કથા કરે તે પહેલા કોરોના ફેલાઈ ગયો હતો. લોકડાઉન લાદી દેવાયું હતું. તેથી કથા થઈ નહોતી. ત્‍યારે મહિલાઓએ પ્રભુ મહારાજ પાસે પોતાના પૈસા પરત માંગ્‍યા હતા. પણ કથાકાર પૈસા આપવામાં આનાકાની કરવા લાગ્‍યા હતા. ત્‍યારબાદ મહિલાઓએ પોલીસનો આશરો લીધો હતો. મહિલાઓએ ફરિયાદ કરી તો પોલીસે તપાસ કરતાં ગુજરાતમાં કથાકાર મળી આવ્‍યા હતા અને તેમના કબજામાંથી લાખો રૂપિયા પણ મળી આવ્‍યા હતા. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:27 am IST)