મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

રાજ ઠાકરેનો અયોધ્‍યા પ્રવાસ રદ્દઃ પુણેમાં રવિવારની રેલીમાં વધુ વિગતો આપશે

મુંબઈ,તા. ૨૦: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ૫ જૂનના રોજ અયોધ્‍યા મુલાકાત પર જવાના હતા. હવે તેમણે નિર્ધારિત કરેલી અયોધ્‍યા મુલાકાતને મુલતવી રાખી છે. રાજ ઠાકરેનું કહેવું છે કે, તેઓ ૨૨ મેના રોજ પુણેમાં તેમની રેલીમાં આ અંગે વધુ વિગતો શેર કરશે.
રાજ ઠાકરેની મુલાકાતના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મંત્રી આદિત્‍ય ઠાકરે ૧૦ જૂને અયોધ્‍યા જવાના હતા. જો કે શિવસેનાએ હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી.
ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે માંગ કરી હતી કે,મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અયોધ્‍યા આવતા પહેલા ઉત્તર ભારતીયોને અપમાનિત કરવા બદલ માફી માંગે.
બીજેપી સાંસદે કહ્યું હતું કે, જયાં સુધી રાજ ઠાકરે જાહેરમાં માફી નહીં માંગે ત્‍યાં સુધી તેમને ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પરંતૂ આ વચ્‍ચે રાજઠાકરેએ તેમની અયોધ્‍યા યાત્રા મોકૂફ રાખવા પાછળના કારણો હજૂ જણાવ્‍યા નથી.
આ પહેલાં રાજ ઠાકરેએ એપ્રિલની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારને મસ્‍જિદોમાંથી લાઉડસ્‍પીકર હટાવવાનું ‘અલ્‍ટિમેટમ' આપ્‍યું હતું, જેના પગલે તેમને ધમકીભર્યો પત્ર મળ્‍યો હતો.

 

(4:16 pm IST)