મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

પાકિસ્‍તાની અર્થવ્‍યવસ્‍થા ખાડેઃ ૩૮ બિન-આવશ્‍યક લક્‍ઝરી વસ્‍તુઓની આયાત બંધ

પૈસા બચાવવાની કવાયત

ઇસ્‍લામાબાદ, તા.૨૦: શ્રીલંકા બાદ પાકિસ્‍તાનની અર્થવ્‍યવસ્‍થા પણ સંકટ તરફ આગળ વધી રહી છે. દેશને મોટા સંકટમાંથી બચાવવા માટે શાહબાઝ શરીફ સરકારે ઇમરજન્‍સી ઇકોનોમિક પ્‍લાન લાગુ કર્યો છે. આ અંતર્ગત ૩૮ બિનજરૂરી અને લક્‍ઝરી વસ્‍તુઓની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.

ડૉલર સામે પાકિસ્‍તાની રૂપિયાના મૂલ્‍યમાં રેકોર્ડ ઘટાડા વચ્‍ચે શાહબાઝ સરકારે આ પગલું ભર્યું છે. પાકિસ્‍તાનનો વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ ઝડપથી ઘટી રહ્યો છે, તેથી તે નથી ઈચ્‍છતું કે દેશમાં બિન-આવશ્‍યક ચીજવસ્‍તુઓની આયાત પર વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે.

પીએમ શાહબાઝ શરીફે ટ્‍વીટ કર્યું કે સરકારના આ નિર્ણયથી મૂલ્‍યવાન વિદેશી હુંડિયામણ બચશે. અમે કડક રહીશું. આર્થિક રીતે સક્ષમ લોકોએ આમાં આગેવાની લેવી જોઈએ જેથી કરીને દેશના વંચિત લોકોને અગાઉની પીટીઆઈ સરકાર દ્વારા તેમના પર લાદવામાં આવેલ આ બોજ સહન ન કરવો પડે.

પાકિસ્‍તાની રૂપિયો બુધવારે સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો હતો કારણ કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત યુએસ ડોલર સામે પાકિસ્‍તાની રૂપિયો ખરાબ રીતે નબળો પડ્‍યો હતો. પાકિસ્‍તાની ફોરેન એક્‍સચેન્‍જ માર્કેટમાં એક ડોલરની કિંમત ૨૦૦ પાકિસ્‍તાની રૂપિયા થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ડોલરનો ભાવ રૂ.૭૭.૫૦ની નજીક છે.

પાકિસ્‍તાનના માહિતી પ્રધાન મરિયમ ઔરંગઝેબે ગુરુવારે ઈસ્‍લામાબાદમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં બિનજરૂરી આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. મરિયમે કહ્યું કે પીએમ શરીફ દેશની અર્થવ્‍યવસ્‍થાને સ્‍થિર કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. એટલા માટે બિનજરૂરી ચીજવસ્‍તુઓની આયાત પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ લક્‍ઝરી સામાનનો ઉપયોગ સામાન્‍ય લોકો કરતા નથી. અમારી સરકાર હવે નિકાસ પર ભાર આપી રહી છે.

પાકિસ્‍તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું છે કે તેમનો દેશ ચીનના નાગરિકોને સર્વોચ્‍ચ સુરક્ષા પ્રદાન કરી રહ્યો છે. ચીનની તમામ સંસ્‍થાઓને પણ સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી રહી છે. ચાઇના ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્‍ટ હેઠળ મોટી સંખ્‍યામાં ચીની નાગરિકો પાકિસ્‍તાનમાં કામ કરી રહ્યા છે. ગુરુવારે ચીનના વિદેશી સુરક્ષા કમિશનર ચેંગ જિયાઓપિંગે પીએમ શરીફ સાથે મુલાકાત કરી હતી. જેમાં પીએમએ તેમને ચીની નાગરિકોને પૂરતી સુરક્ષાની ખાતરી આપી હતી.

(4:22 pm IST)