મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

પ્રતિંબંધ છતાં ભારતે ઈજિપ્તને ૬૧૫૦૦ ટન ઘઉં મોકલ્યા

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે : પ્રતિબંધ બાદ ભારતે કોઈ દેશને મોકલેલો આ સૌથી મોટો જથ્થો : ૧૨ દેશે પણ ઘઉં મોકલવા માટે વિનંતી કરી છે

નવી દિલ્હી, તા.૨૦ : ઘઉંની નિકાસ પર મુકાયેલા પ્રતિબંધ વચ્ચે પણ ભારતે ઈજિપ્તને ૬૧૫૦૦ ટન ઘઉંની ખેપ મોકલી છે. પ્રતિબંધ બાદ ભારતે કોઈ દેશને મોકલેલો આ સૌથી મોટો જથ્થો છે.બીજી તરફ ૧૨ દેશોએ પણ ભારતને ઘઉં મોકલવા માટે વિનંતી કરી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં એક અધિકારીને ટાંકીને જણાવાયુ છે કે, એક ડઝન દેશો એવા છે જે ભારત ઘઉં મોકલે તે માટે ડિપ્લોમેટિક સ્તર પર વિનંતી કરી ચુકયા છે.

ઈજિપ્તને જેટલા ઘઉંની નિકાસ કરવાની હતી તેમાંથી ૧૭૧૬૦ ટન ઘઉંને કસ્ટમ પહેલા જ મંજૂરી આપી ચુકયુ હતુ. ભારત તરફથી મુકાયેલા પ્રતિબંધ અમલમાં આવે તે પહેલા ઈજિપ્ત માટેના ઘઉંના જથ્થાની નિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. ૧૭ મેના રોજ ગુજરાતના કંડલા પોર્ટ પરથી આ ઘઉં રવાના કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતે ૧૩ મેથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકયો છે.બીજી તરફ ભારત સરકારના અધિકારીનુ કહેવુ છે કે, ઈજિપ્ત ગંભીર અન્ન સંકટનો સામનો કરી રહ્યુ છે.

જોકે અધિકારીએ બીજા કયા દેશોએ ઘઉં માટે વિનંતી કરી છે તેની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો.

ઉ્લલેખનીય છે કે, ભારત દ્વારા આ વર્ષે ૧૪ લાખ ટન ઘઉઁની વિદેશોમાં નિકાસ કરવામાં આવી છે. જે એક રેકોર્ડ છે.

(7:47 pm IST)