મુખ્ય સમાચાર
News of Monday, 20th June 2022

પોતાના લગ્નમાં ન પહોંચ્‍યા બીજેડીના ધારાસભ્‍ય : કેસ નોંધાતા જ ફેરા ફરવા તૈયાર થઇ ગયા

દંપતીએ તેમના લગ્નની નોંધણી માટે ૧૭ મે, ૨૦૨૨ના રોજ અરજી કરી હતી : મહિલા તેના સંબંધીઓ સાથે લગ્ન નોંધણી ઓફિસ પહોંચી હતી પરંતુ બીજેડીના ધારાસભ્‍ય વિજય શંકર દાસ ત્‍યાં પહોંચ્‍યા ન હતા

ભુવનેશ્વર તા. ૨૦ : બીજેડી વિધાનસભ્‍ય વિજય શંકર દાસે પોતાના લગ્નમાં હાજરી ન આપતા કહ્યું કે તે આગામી ૬૦ દિવસમાં તેની મંગેતર સાથે લગ્ન કરવા તૈયાર છે. ધારાસભ્‍યના મંગેતરે લગ્નમાં ન પહોંચવા બદલ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે ધારાસભ્‍યના પરિવારના સભ્‍યો તેને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યા હતા અને તેણી (મહિલા) પર લગ્ન ન કરવા માટે ધમકી અને દબાણ પણ કર્યું હતું.

દાસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), 195A (ખોટા પુરાવા આપવાની ધમકી આપનાર વ્‍યક્‍તિ) અને 120B (ગુનાહિત ષડયંત્ર માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. દંપતીએ તેમના લગ્નની નોંધણી માટે ૧૭ મે, ૨૦૨૨ના રોજ અરજી કરી હતી. મહિલા તેના સંબંધીઓ સાથે લગ્ન નોંધણી ઓફિસ પહોંચી હતી, પરંતુ ધારાસભ્‍ય ત્‍યાં પહોંચ્‍યા ન હતા.

દાસે કહ્યું, ‘હા, હું આગામી ૬૦ દિવસમાં તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. લગ્નની નોંધણી માટે અરજી કર્યાને એક મહિનો થઈ ગયો છે. મારી પાસે હજુ ૬૦ દિવસ બાકી છે. મારી માતા બીમાર છે અને આ સમય દરમિયાન, હું લગ્ન કરીશ. મારાથી થાય તે કરો. મેં ક્‍યારેય લગ્નનો ઇનકાર કર્યો નથી. હકીકતમાં, મેં મીડિયા અને લોકો સમક્ષ તેની જાહેરાત કરી છે. તેથી છેતરપિંડીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.'

મહિલાએ દાવો કર્યો હતો કે દાસ અને તેણી છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા અને ધારાસભ્‍યએ તેની સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. ધારાસભ્‍યના પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે બીજેડીના દિવંગત નેતા અને પૂર્વ મંત્રી બિષ્‍ણુ ચરણ દાસનો પુત્ર દાસ છેલ્લા કેટલાક સમયથી મહિલા સાથે સંબંધમાં હતો.

(3:34 pm IST)