મુખ્ય સમાચાર
News of Monday, 20th June 2022

અગ્નિપથ યોજના દેશ, સેના અને યુવાનો માટે ફાયદાકારક : અગ્નિવીરોને મોટો શૈક્ષણિક લાભ મળશે: કેન્દ્રીય શિક્ષણમંત્રી

10 પાસ યુવાનોને મળશે 12મું પ્રમાણપત્ર,12 પાસ યુવાનોને મળશે ગ્રેજ્યુએશન અને

ગ્રેજ્યુએશન યુવાનોને મળી શકે MBA પ્રમાણપત્ર: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અગ્નિપથ યોજનાને દેશ, સેના અને યુવાનો માટે ફાયદાકારક ગણાવી છે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજના લાવતા પહેલા શિક્ષણ વિભાગની સલાહ લેવાઈ હતી. હાલ જે લોકો સેનામાં જાય છે તેઓ 10મું પાસ પૂર્ણ કરીને જાય છે. કેટલાક યુવાનોને સેનામાં 12માં ધોરણ પછી તો કેટલાકને ગ્રેજ્યુએશન બાદ દાખલ કરવામાં આવે છે. 

પ્રધાને કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ જે યુવાનો 10મું ધોરણ પાસ કરીને આર્મીમાં જોડાશે તે અગ્નિવીરોને ચાર વર્ષ બાદ 12માં ધોરણનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

પ્રધાને  વધુમાં જણાવ્યું હતું કે, આજની શિક્ષણ નીતિમાં કામના અનુભવને પણ અભ્યાસની પ્રક્રિયા ગણવામાં આવે છે. તેથી જે લોકો 12મું ધોરણ પાસ કરીને આર્મીમાં જોડાશે, ઇગ્નૂ તેમને નવી ફ્રેમ બર્કમાં પરીક્ષા આપવાની તક આપશે. જો અગ્નિવીર તે પરીક્ષામાં પાસ થાય છે, તો તે ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી શકે છે. 

શિક્ષણ મંત્રી પ્રધાનનું કહેવું છે કે ગ્રેજ્યુએશન બાદ આવી રહેલા અગ્નિવીરને એ જ ચાર વર્ષની અંદર એમબીએ સર્ટિફિકેટ મળી શકશે.

દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે અને આગચંપી પણ જોવા મળી છે. આ દરમિયાન બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું નામ લીધા વગર યુવાઓને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા છે.

પીએમ મોદીએ પણ અગ્નિપથ યોજનાને વખાણ કરતા કહ્યું કે અમુક યોજનાઓ ટૂંકા ગાળા માટે નુકશાનકારક દેખાતી હોય છે પરંતુ લાંબા ગાળે તે ખૂબ ફાયદાકારક બની રહેતી હોય છે. મોદીએ કહ્યું કે સુધારાનો માર્ગ આપણને ફક્ત નવા લક્ષ્યો તરફ દોરી શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે, જે દાયકાઓ સુધી સરકાર દ્વારા એકાધિકાર ધરાવતા હતા. ડ્રોનથી લઈને બીજી દરેક ટેકનોલોજી, અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને જણાવી રહ્યા છીએ કે, સરકારે જે વિશ્વસ્તરીય ટેકનોલોજી બનાવી છે, યુવાનોએ પોતાના વિચારો આપવા જોઈએ, પોતાના ઈનપુટ આપવા જોઈએ

(10:53 pm IST)