મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

મોદી અમેરિકામાં કદાચ હેરિસ, કૂકને મળશે

વોશિંગ્ટન, તા.૨૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ જ અઠવાઠિયે અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ અને એપલ કંપનીના વડા ટીમ કૂકને મળે એવી ધારણા છે. મોદીની અમેરિકા યાત્રા ખૂબ વ્યસ્ત રહેવાની છે. તેઓ શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં હાજરી આપવાના છે.

વડાપ્રધાન ૨૨ સપ્ટેમ્બરના બુધવારે વોશિંગ્ટન ડી.સી. પહોંચશે અને તે પછીની સવારે અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ, સીઇઓ સાથે બેઠક કરશે. કમલા હેરિસ તથા ટીમ કૂક સાથેની એમની મુલાકાતને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી. અમેરિકાની યાત્રા દરમ્યાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસ અને જાપાનના વડાપ્રધાન યોશિહીદે સુગાને પણ મળશે. જો બાઇડને અમેરિકામાં પ્રમુખપદ સંભાળ્યું તે પછી એમની સાથે મોદીની આ પહેલી જ વ્યકિતગત દ્વિપક્ષીય બેઠક હશે. બંને નેતા ૨૪ સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં કવાડ શિખર સંમેલનમાં મળવાના છે. મોદી ૨૪ સપ્ટેમ્બરે જ ન્યૂયોર્ક જશે જયાં ૨૫ સપ્ટેમ્બરે સંયુકત રાષ્ટ્ર મહાસમિતિની બેઠકમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે.

(11:49 am IST)