મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

ખાદ્યતેલ સસ્‍તુ કરવા સરકારે લીધેલા પગલાથી ગ્રાહકોને કોઈ ફાયદો નથી

માત્ર વિદેશી કંપનીઓને જ લાભ મળી રહ્યો છેઃ ખેડૂતો પણ લાભથી વંચીત

નવી દિલ્‍હી, તા. ૨૦ :. દિવાળી પહેલા ખાદ્યતેલના વધતા ભાવોને નિયંત્રણમાં લેવા માટે મોદી સરકાર દ્વારા આયાતી ડયુટીમાં કરવામાં આવેલા ઘટાડોનો ફાયદો ગ્રાહકો એટલે કે વપરાશકારોને મળતો નથી. દિલ્‍હીની બજારોમાં વિવિધ ખાદ્યતેલના ભાવોમાં તેજી જોવા મળી હતી. બજારના વર્તુળોએ જણાવ્‍યુ છે કે સરકારે સીપીઓ પર આયાત ડયુટી પર ૧૩ રૂા. કિલોની બરાબર ઘટાડો કર્યો છે, પરંતુ ગ્રાહકોને પ્રતિ કિલો પર માત્ર ૩થી ૪ રૂા.ની રાહત મળી રહી છે અને આનાથી ખેડૂતોને પણ કોઈ મોટો ફાયદો થતો નથી.
બજારના વર્તુળોએ જણાવ્‍યુ છે કે આયાત ડયુટી ઘટાડવાનો ફાયદો ખેડૂતો અને ગ્રાહકોને મળતો નથી. ફાયદો માત્ર વિદેશી કંપનીઓને જ મળી રહ્યો છે. કેટલાક આયાતકારો વિદેશોથી ઓછી આયાત ડયુટીવાળા કાચા પામતેલ એટલે કે સીપીઓમાં પામોલીન મળીને મંગાવ્‍યા બાદ ઉંચા દરે વેચી રહ્યા છે. સીપીઓ પર જ્‍યાં આયાત ડયુટી ૮.૨૫ ટકા છે તો પામોલીન પર આ ડયુટી ૧૭.૫ ટકા છે.
સૂત્રોનું કહેવુ છે કે સરકારે આયાતડયુટી ઘટાડવાના બદલે ૮૦ અને ૯૦ના દાયકાની જેમ ગરીબોને ઉંચા ભાવોથી રાહત આપવા માટે આયાત કરીને દુકાનો પરથી વેચવા વિચારવુ જોઈએ કારણ કે આયાતડયુટી ઘટાડવાથી ગ્રાહકો અને ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો અને ફાયદો માત્ર વિદેશી કંપનીઓને જ થાય છે.

 

(10:11 am IST)