શોપિયામાં ૨ આતંકી ઠાર : એક જવાન શહિદ
સુરક્ષાદળોને મળી મોટી સફળતા : સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર તા. ૨૦ : છેલ્લા કેટલાક સમયથી જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ દ્વારા માહોલ ખરાબ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય સેના પણ આતંકીઓ જડબાતોડ જવાબ આપી રહી છે.ઙ્ગદક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ચીરબાગ દ્રગાડ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષાકર્મીઓએ બે આતંકીઓને ઠાર કર્યા છે સુરક્ષા દળો અને આતંકી વચ્ચેની અથડામણમાં એક જવાન શહિદ અને બે ને ઇજા પહોંચી છે
પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયૂકત ટીમે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે જ દ્રગાડ ગામની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો ઉપર ફાયરિંગ શરૂ કરી દેતા ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં આ બે ખતરનાક આતંકીઓને ઠાર કરીને ફરી એક વખત સુરક્ષાદળોને મોટી કામયાબી મળી છે. શોપિયા ઘર્ષણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. બાકીના હજુ છુપાયેલા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.