મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફેક સ્ટોરી ચલાવીને યુ-ટ્યુબર ૧૫ લાખ કમાયો

બિહારના એન્જિનિયરે સુશાંતના મોતનો લાભ ઊઠાવ્યો : યુ-ટ્યુબ ચેનલ ચલાવનારા ઉપર માનહાનિ, અટકચાળો કરવો અને ઈરાદાપૂર્વક અપમાન કરવા માટેનો આરોપ

પટના, તા. ૧૯ : બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ઘણા બધા આરોપ-પ્રત્યારોપ થયા. એક્ટરની હત્યા અને આપઘાત વચ્ચે કેસ ગૂંચવાયેલો છે. આ મામલે હાલમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી કોઈ ખાસ પુરાવાઓ મળી શક્યા નથી. આ દરમિયાન બિહારના એક યુ-ટ્યુબર પર સુશાંત સિંહ રાજપૂત પર ફેક સ્ટોરી ચલાવવાનો આરોપ છે. આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે આ યુ-ટ્યુબરે ૪ મહિનામાં પોતાની ચેનલ પર અપલોડ કરેલા વીડિયોથી ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી લીધી.

એક રિપોર્ટ મુજબ, આરોપી બિહારમાં એન્જિનિયર છે અને તેની 'એફએફ ન્યૂઝ' નામથી એક ચેનલ યુ-ટ્યુબ પર છે. તેના પર માનહાનિ, અટકચાળો કરવો અને ઈરાદાપૂર્વક અપમાન કરવાનો આરોપ છે. રિપોર્ટ મુજબ, આ વ્યક્તિએ મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, આદિત્ય ઠાકરે અને અક્ષય કુમાર વિરુદ્ધ પોસ્ટ કરી હતી. જેના પર તેને લાખો હિટ્સ મળી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીએ પહેલા સુશાંતના મોત પર પોસ્ટ કરી હતી. જેનો ખૂબ જોવામાં આવી આ બાદ તે એવું કોન્ટેન્ટ પોસ્ટ કરવા લાગ્યો જેનાથી તેને સપ્ટેમ્બર મહિનામાં જ ૬.૫ લાખ રૂપિયા મળ્યા. આરોપીના યુ-ટ્યુબ સબ્સ્ક્રાઈબર્સ પણ ઝડપથી વધવા લાગ્યા. રિપોર્ટ્સ મુજબ, સુશાંતના મોત પહેલા તેના ૨ લાખ સબ્સ્ક્રાઈબર્સ હતા જે બાદમાં ૩.૭૦ લાખ નજીક પહોંચી ગયા. એક સીનિયર આઈપીએસ અધિકારીએ પોતાનો નિવેદનમાં જણાવ્યું કે, સુશાંતના મોતને કેટલાક લોકોએ પૈસા કમાવવાનો અવસર બનાવી લીધો. કારણ કે લોકો આ કેસમાં વધારે રસ લઈ રહ્યા હતા.

(12:00 am IST)