મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

યુનિસેફે જાહેર કરી ચેતવણી

કોરોનાને કારણે એક આખી પેઢીનું ભવિષ્ય ખતરામાં

બાળકો માટે ખતરો ઘટવાના બદલે વધ્યો છેઃ કોરોનાથી ગરીબી-અસમાનતા વધશેઃ જો રસીકરણ યોગ્ય રીતે નહિ થાય તો ૧૨ મહિનામાં ૨૦ લાખ બાળકો મોતને ભેટશે

નવી દિલ્હી, તા. ૨૦ :. કોરોના વાયરસની એક વાત સ્પષ્ટ છે કે બાળકોમાં આ બિમારી થવાનો ખતરો અપેક્ષાથી ઓછો છે પરંતુ આનો મતલબ એ નથી કે મોત ભયાનક નથી. યુનિસેફ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસથી એક પેઢીનું ભવિષ્ય ખતરામાં છે. સંયુકત રાષ્ટ્રની બાળકો માટે કામ કરતી સંસ્થાનું માનવુ છે કે બાળકો માટે ખતરો ઘટવાને બદલે વધ્યો છે કારણ કે વિશ્વ મહામારીને કારણે થનારી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે.

૧૪૦ દેશો માટે કરવામાં આવેલા સર્વે પર આધારીત રીપોર્ટ એક પેઢી સમક્ષ વર્તમાન ૩ પ્રકારના ખતરાની ચેતવણી આપતી તસ્વીર બતાવવામાં આવી છે. આ ખતરામા મહામારીના સીધા પરિણામ, જીવન જરૂરી વસ્તુઓમાં પડતી મુશ્કેલી અને વધતી ગરીબી તથા અસમાનતાને સામેલ કરવામાં આવેલ છે.

યુનિસેફનું કહેવુ છે કે જો રસીકરણ અને સ્વાસ્થ્ય સહિતની પાયાની સેવાઓમાં આવી રહેલી મુશ્કેલીને નહી સુધારાય તો લગભગ ૨૦ લાખ બાળકો આવતા ૧૨ મહિનામાં મોતનો શિકાર થઈ શકે છે અને વધારાના ૨ લાખ અત્યારે જન્મ લઈ શકે છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે શાળાઓ બંધ રાખવાથી વાયરસ ફેલાતો થોડો અટકયો છે પરંતુ લાંબા સમયમાં તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. એવી ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વ સમુદાય તત્કાલ પોતાની પ્રાથમિકતાઓમાં ફેરફાર નહિ લાવે ત્યાં સુધી યુવા પેઢી પોતાની ક્ષમતા ગુમાવી શકે છે.

યુનિસેફના જણાવ્યા પ્રમાણે કોરોનાના કારણે વિશ્વમાં ૯૦ ટકા છાત્રો લગભગ ૧.૫ અબજ બાળકોના અભ્યાસને માઠી અસર પડી છે અને ૪૬.૩ કરોડ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસની સુવિધા નથી.

રીપોર્ટ ઉમેરે છે કે જેટલા વધુ સમય સુધી શાળાઓ બંધ રહેશે એટલા વધુ બાળકોને નુકશાન થશે. જેના લાંબા પરિણામો ભોગવવા પડશે જેમાં ભવિષ્યની આવક પણ સામેલ છે. નવેમ્બર સુધીમાં ૬૦ કરોડ બાળકો શાળા બંધ થવાને કારણે અસરગ્રસ્ત થયા છે.

(9:41 am IST)