મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

અમેરીકામાં કોરોનાથી હાલત ખરાબ : હોસ્પિટલો ફુલ : પાર્કિંગમાં થઈ રહી છે સારવાર : ન્યુયોર્કમાં ફરી લોકડાઉન?

 નવી દિલ્હી, તા.૨૦ : કોરોના સંક્રમણ સામે દુનિયા ઝઝુમી રહી છે. વેકિસન આવવાની કાગડોળે રાહ જોવાઈ રહી છે પરંતુ એ પહેલાં કોરોનાએ ફરીવાર રફ્તાર પકડી છે. અમેરીકામાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. અહીં કોરોનાથી મરનારાઓની સંખ્યા ૨.૫૬ લાખ થઈ ચુકી છે. આ સાથે જ દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડની અછત સર્જાવા લાગી છે. દર્દીઓની સારવાર કરવા માટે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે.

દુનિયાભરમાં અત્યાર  સુધીમાં ૫.૫૬ કરોડથી વધારે લોકો કોરોના સંક્રમિત થયાં છે. તેમાં ૩.૯૩ કરોડ લોકો સ્વસ્થ થઈ ચુકયાં છે. જયારે ૧૩.૫૩ લાખ લોકોના મોત થઈ ચુકયા છે. મહામારીથી અમેરીકા સૌથી વધારે અમેરીકા ઝઝુમી રહ્યું છે. અમેરીકાના કેટલાંક રાજયોમાં સ્થિતિ બેકાબુ થતી જાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બુધવાર સુધીમાં અહીં કુલ ૨.૫૬ લાખ લોકોના મોત થઈ ચુકયા હતા. રિપોર્ટ પ્રમાણે ૭૭ હજાર લોકો આ સમયે હોસ્પિટલમાં છે.

 આ રિપોર્ટ અનુસા નેવાદા અને મિશિગન જેવા રાજયોમાં સ્થિતિ એ થઈ ગઈ છે કે અહીં દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં બેડ પણ નથી. નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં દર્દી એટલા વધી ગયા છે કે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. અહીં સ્ટાફ આટલા દર્દીઓને સંભાળી શકતા નથી. ટેનેસીના ડાયરેકટર ઓફ ક્રિટિકલ કેર ડો. જોનસને જણાવ્યું કે, કોરોના સંક્રમણ એટલું ઝડપથી વધવું ચિંતાજનક છે. હવે આશા પણ તુટી રહી છે. સ્થિતિ કયારે સુધરશે, તે વિશે કંઈ કહી શકાય નહી.

અમેરીકામાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો દુનિયામાં સૌથી વધારે છે. અમેરીકામાં માત્ર એક અઠવાડિયામાં ૧૫ લાખથી વધારે કેસ સામે આવ્યા છે પરંતુ ટ્રમ્પ સરકાર વાઈરસને ગંભીરતાથી લેવા તૈયાર નથી. છેલ્લા કેટલાંક દિવસોથી જો બિડેને કહ્યું કે, અમેરિકામાં વધતા સંક્રમણને મામલે સખ્ત પગલાંની જરૂર છે.

જયારે બુધવારે ન્યૂયોર્ક સીટી એડમિનિસ્ટ્રેશને સંકેત આપ્યા કે અહીં લોકડાઉન ફરીથી લગાવવામાં આવી શકે છે. શાળા, હોટલ, રેસ્ટોરન્ટ્સ અને બાર પહેલાંથી જ બંધ છે. મિનેસોટામાં પણ આજે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે.

(10:02 am IST)