મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

દિલ્હીમાં અંતિમ સંસ્કારમાં લગભગ ૫ કલાકનું વેઇટિંગ!

પાટનગરમાં કોરોના બેફામ બન્યો

 નવી દિલ્હી,તા.૨૦ : દિલ્હીમાં કોરોના એકવાર ફરી માથું ઉંચકી રહ્યો છે જેના કારણે મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજધાનીમાં શ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે ૩-૪ કલાકના વેઇટિંગ મળી રહ્યા છે.

 નોર્થ દિલ્હી નગર નિગમમા આવનારા નિગમબોધ દ્યાટમાં વેટિંગના મામલે મેયરે કહ્યું કે અહીં લાશને બાળવા માટે કુલ ૧૦૪ પ્લેટફોર્મ છે. લગભગ ૫૦ને કોરોના માટે રિઝર્વ કરાયા છે. કોરોનાથી વધતા મોતને લઈને ૧૬ વુડન પ્લેટફોર્મ પણ લેવાયા છે.

 એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કહેવું છે કે છેલ્લા ૩ દિવસથી રોજ ૧૨ મૃતદેહને સ્મશાનઘાટ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં તીરથરામ હોસ્પિટલ, સેંટ સ્ટીફન્સ હોસ્પિટલ, સંત પરમાનંદ હોસ્પિટલથી વધારે કોલ આવે છે.

 નિગમબોધ ઘાટના સુપરવાઈઝરે કહ્યું કે મૃતદેહની સંખ્યા જુલાઈમા ઓછી હતી, સપ્ટેમ્બરમાં પણ ઘટી અને ઓકટોબરમાં વધી. ઓકટોબરમાં અહીં રોજ ૧૦-૧૨ મૃતદેહ આવતા. ૧ નવેમ્બરથી આ સંખ્યા વધીને ૧૮થી ૨૦ થઈ છે. અને છેલ્લા ૩ દિવસથી આ સંખ્યા ૨૫ ઉપર પહોચી છે. છેલ્લા ૯ દિવસમાં અહીં ૧૬૭ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાયા છે.

 સંદીપ નામના એક વ્યકિત નિગમબોધ ઘાટ પર ગુરુવારે સવારે ૧૦ વાગે પહોંચ્યા હતા. અહીં પહેલાંથી જ ૫ મૃતદેહ સાથે એમ્બ્યુલન્સ હાજર હતી, સંદીપને બપોરે ૩ વાગ્યાનો સમય મળ્યો. એટલે કે લગભગ ૫ કલાકનું વેટિંગ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ચાલી રહ્યું છે.

 દક્ષિણી નગર નિગમના અંતર્ગત આવનારા પંજાબી બાગ શ્મશાન દ્યાટ પર કોરોના દર્દીના અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા છે. અહીં ૧થી ૧૮ નવેમ્બર સુધીમાં ૩૩૮ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર થયા છે.

(10:27 am IST)