મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

સમગ્ર અમદાવાદમાં ઉચાટઃ બજારોમાં ભીડઃ પેનિકમાં ખરીદી

આજે રાતથી ૫૭ કલાકનો કર્ફયુ લાગુ થાય તે પહેલા દૂધ, શાકભાજી, અનાજ, ફ્રુટ સહિતની ખરીદી કરવા લોકો સવારથી જ ઘરની બહાર નિકળ્યાઃ તમામ બજારો અને દુકાનો પર ભીડઃ અમદાવાદથી બહાર ગયેલા લોકો શહેરમાં પ્રવેશવા દોટ મુકી તો બહારથી અમદાવાદ આવેલા લોકો પોતપોતાના ઘરે પહોંચવા ઉતાવળા થતા હાઈવે ઉપર તથા બસ સ્ટેન્ડ પર ભારે ભીડ

અમદાવાદ, તા. ૨૦ :. તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાએ માથુ ઉંચકતા તંત્રએ આજે રાત્રે ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો સળંગ ૫૭ કલાકનો કર્ફયુ લાદવાના લીધેલા નિર્ણય બાદ આજે સવારે શહેરની બજારોમાં લોકો જીવન જરૂરી ચીજો ખરીદી કરવા ઉમટી પડતા તમામ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મોટા પ્રમાણમાં લોકો ઘરોની બહાર નિકળ્યા છે અને પેનિકમાં ખરીદી કરી રહ્યા છે.

શહેરમાં ૫૭ કલાકના કર્ફયુ દરમિયાન માત્ર દવાની દુકાનો અને દૂધ પાર્લરો જ ખુલ્લા રહેવાનો હોય લોકો આજે વહેલી સવારથી પોતાના ઘરોની બહાર લેવા નિકળી ગયા છે અને શાકભાજી, અનાજ, દૂધ, ફ્રુટ, દવા સહિતની ખરીદી કરી રહ્યા છે. તમામ બજારોમાં અને તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોએ સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. જેને પરિણામે પણ કોરોના વકરે તેવી શકયતા જણાય રહી છે.

અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે આગમચેતીના પગલા સ્વરૂપ તંત્રએ કર્ફયુ લાદવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં આજે રાતથી એસટી બસના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવતા આજે શહેરમાં રાત્રે એક પણ બસ આવી નહિ શકે એટલુ જ નહિ શહેરમાંથી રાત્રે ઉપડતી ૩૫૦ જેટલી બસો પણ બંધ કરી દેવામાં આવી છે. બહારગામની બસો અમદાવાદ બાયપાસ થઈને જતી રહેશે.

દરમિયાન અમદાવાદમાં રહેતા અને હાલ બહાર ગયેલા લોકોએ પણ રાત સુધીમાં શહેરમાં પહોંચવા દોટ મુકતા હાઈવે ઉપર પણ વાહનોની કતારો જોવા મળી રહી છે. એટલુ જ નહિ અમદાવાદમાં આવેલા બહારના લોકો પણ પોતપોતાને ઠેકાણે જવા દોટ મુકતા હાઈવેઓ ઉપર વાહનોના થપ્પા જોવા મળી રહ્યા છે.

શહેરમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતા ૫૭ કલાકનો કર્ફયુ લાદવામાં આવ્યો છે. શનિ, રવિ દરમિયાન શહેર સંપૂર્ણપણે બંધ રહેવાનુ છે. તે જોતા લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે અને તેઓ ખરીદી કરવા પણ દોટ મુકી રહ્યા છે.

(10:21 am IST)