મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

દગાખોર ડ્રેગન:અક્સાઈ ચીનમાં જંગી લશ્કરનો જમાવડો : પેંગોગ સુધી બનાવાયા રસ્તાઓ :લશ્કરી કિલ્લો બનાવશે

કારાકોરમ ઘાટથી 30 કિલોમીટરના અંતરે જ ચીન 10-10 બંકરનું ઝૂંડ બનાવતા લાંબો સમય સુધી પડ્યા રહેવાનો કારસો

ચીન ભારત સાથે એલએસી પર સંઘર્ષ મુદ્દે વાટાઘાટો કરી રહ્યું છે અને વારંવાર એમ પણ કહી રહ્યું છે કે અમે શાંતિથી ઉકેલ લાવવા માંગીએ છીએ. ચીનની આવી વાતો પર જોકે વિશ્વાસ થઈ શકે એમ નથી. કેમ કે ભારત સાથેની સમગ્ર સરહદ પર ચીનનો સતત લશ્કરી જમાવડો ચાલુ જ છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે અક્સાઈ ચીન વિસ્તારને ચીન લશ્કરી કિલ્લામા ફેરવી રહ્યું છે. અક્સાઈ ચીન એ મૂળ ભારતનો વિસ્તાર છે, જે 1962ના યુદ્ધ વખતે ચીનના કબજામાં ગયો હતો.

  આ વિસ્તાર લગભગ 38 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને સરેરાશ 17 હજાર ફીટની ઊંચાઈએ આવેલો છે. માટે મોટે ભાગે આ વિસ્તાર નિર્જન છે. ચીન ત્યાં લશ્કરી મથકો, રોડ-રસ્તા વગેરે બાંધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં અહીં ચીની સૈન્યની સંખ્યા ખુબ વધી છે.

   ચીન અહીંથી એક રસ્તો ફિંગર 6 અને ફિંગર 8 કહેવાતા વિસ્તાર વચ્ચે બાંધી રહ્યું છે, જે સીધો પેંગોગ સરોવર તરફ લંબાય છે. પેંગોગ ફરતે ચીને પહેલેથી જ મોટી સંખ્યામાં લશ્કર અને યુદ્ધ સામગ્રી ગોઠવી રાખી છે. કારાકોરમ ઘાટથી 30 કિલોમીટરના અંતરે જ ચીન 10-10 બંકરનું ઝૂંડ બનાવી રહ્યું છે. ચીનની આ તૈયારી સ્પષ્ટ કરે છે, કે તેનું સૈન્ય ત્યાં લાંબો સમય સુધી પડયું પાથર્યું રહેવા માંગે છે.

(12:00 pm IST)