મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કોવેક્સિનના ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ : હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજને સૌપ્રથમ અપાશે રસી

અનિલ વિજએ કોવૈક્સીનનું ટેસ્ટિંગ તેમના પર થાય તે માટે વોલંટિયર તરીકે નામ નોંધાવ્યું છે

હરિયાણામાં કોરોના વાયરસથી બચાવા માટે ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની દવા કોવૈક્સીનના ત્રીજા ફેઝનું ટેસ્ટીંગ આજથી શરુ થયું છે. જેના ભાગરુપે આજે રાજ્યના ગૃહ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજએ કોવૈક્સીનનું ટેસ્ટિંગ તેમના પર થાય તે માટે વોલંટિયર તરીકે નામ નોંધાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

અનિલ વિજે ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોવૈક્સીનના ટેસ્ટ માટે તેમને રસી આપવામાં આવશે. આ રસી ભારત બાયોટેકની પ્રોડક્ટ છે. તેમને આ રસી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ અંબાલા ખાતે આપવામાં આવશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે દુનિયાભરના દેશોની નજર કોરોના પર અસર કરતી રસી પર મંડાયેલી છે. દુનિયાભરના દેશોમાં કોરોનાની રસી પર કામ થઈ રહ્યું છે જેમાંથી એક ભારત પણ છે. ભારતમાં તૈયાર થયેલી કોવૈક્સીન પર દેશવાસીઓને પણ આશા છે.

દેશભરમાં 20 રિસર્ચ સેંટરોમાં 25,800 વોલંટિયર્સને કોવૈક્સીનનો ડોઝ આપવામાં આવશે. 20 સેંટરોમાંથી એક પીજીઆઈએમએસ રોહતક પણ તેના વોલંટિયર્સને આ ડોઝ આપવા તૈયાર છે.

(12:05 pm IST)