મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

અંધારૂ સ્વીકાર્ય પરંતુ કોઇ અંધારામાં રાખે તેનાથી દુર રહેજોઃ પૂ. મોરારીબાપુ

ગોકુલ-મથુરાનાં રમણ રેતી ધામમાં આયોજીત 'માનસ પ્રેમસુત્ર-૩' શ્રીરામકથાનો બીજો દિવસ

રાજકોટ તા. ર૦ :.. 'લોકોના જીવનમા ગુરૂચરણ જરૂરી છે' તેમ પૂ. મોરારીબાપુએ ગોકુલ-મથુરાના રમણ રેતી ધામમા આયોજીત 'માનસ પ્રેમસુત્ર-૩' શ્રીરામ કથાના બીજા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતું કે, અંઘારૂ સ્વીકાર્ય છે પરંતુ આપણને કોઇ અંધારામાં રાખે તે સ્વીકાર્ય નથી. આવા વ્યકિતઓથી દુર રહેવા જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથામાં ગઇકાલે કહયું કે, આ રમણરેતી પર ત્રીજી કથા છે. આ જ પંકિત પ્રથમ વખત પણ આ જ વિષય માનસ પ્રેમસૂત્ર-૧ જે પંદર દિવસની હતી, બીજી વાર આજ પંકિત-તેર દિવસ અને હવે આજ પ્રેમસૂત્ર-૩ આજ પંકિત અગીયાર દિવસ જામે ત્રિસત્ય કરીએ છીએ. જયાં સાત્વિક-તાત્વિક અને વાસ્તવિક સંવાદ થશે. પ્રેમભૂમિમાં પ્રેમસૂત્ર જ ગણગણીશું. રામચરિત માનસના દરેક સોપાનમાં ગુરૂદ્રષ્ટિથી જોતા પ્રેમની જ વિશેષ ઉપલબ્ધિઓ દેખાય છે.

બાપુએ રામચરિત માનસની એક પંકિત કે જે ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચાઇ છે એમાં ખૂબ જ વિવેક અને સાલીનતાથી એક ટૂકડો જોડતા જણાવ્યું કે તુલસીજીની વારંવાર માફી માગીને મનનો ભાવ મુકું છું.

જે વ્યકિત ગુરૂચરણ રજને માથા પર ધારણ કરે છે તે સમસ્ત વૈભવને વશ કરી લ્યે છે.

એવો આ રમણરેતીનો પ્રતાપ છે અનેક પ્રકારના વૈભવ છે, જે ભૂમિ પર પરમાત્માએ સાક્ષાત લીલાઓ કરી એ માત્ર ભૂમિ નહિ કંઇક વિશેષ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે ઇશ્વર બધાના હૃદયમાં નિવાસ કરે છે. ઇશ્વર સર્વભૂતાના-આ જાણીએછીએ જયા પરમાત્મા સત્-ચિત્-આનંદ સ્વરૂપે બિરાજે છે એ સ્થળે ત્રીજી વખત ગાવાનો, રહેવાનો વ્રજરજનો આનંદ કરવાનો મોકો મળ્યો છે. આનંદ ખુબ છે. કાર્ષ્ણિભૂમિ અને મહારાજનું વાત્સલ્ય મારા પર સવાયું છે.માનસમાં ચાર પ્રકારની બોલી ભગતિ પ્રતાપ, તેજ, બલ વિશે ઘણી વાત રજુ કરાઇ છે.

(2:47 pm IST)