મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

શુ તમે જાણો છો કે તાતાના ગ્લોબલ હેડકવાર્ટર બોમ્બે હાઉસમાં સ્ટ્રીટ ડોગ માટે અલાયદો રૂમ છે ? : રતન તાતાએ હાલમાં જ પ્રિય ડોગ ગોવા સાથે તસ્વીર શેર કરેલ

તમામ ડોગ માટે ભોજન પણ તાતા ગ્રુપની હોટેલ તાજમહાલમાંથી જ આવે છે

નવી દિલ્હીઃ તાતા ગ્રુપના મોભી રતન તાતાનો શ્વાનપ્રેમ જાણીતો છે અને સ્ટ્રે ડોંગ્સ એટલ કે રસ્તે રઝળતાં કૂતરાઓ પ્રત્યે તેમને વિશેષ લાગણી છે.

એટલે જ તાતા ગ્રુપના ગ્લોબલ હેડકવોર્ટર બોમ્બે હાઉસનું ર૦૧૮માં રિનોવેશન થયું ત્યારે એમાં આસપાસના વિસ્તારોના સ્ટ્રે ડોગ્સ માટે એક સ્પેશ્યલ રૂમ પણ બનાવવામાં આવી.

બોમ્બે હાઉસમાં આમ પણ રસ્તે રખડતા શ્વાનો અવારનવાર જોવા મળતા. કહેવાય છે કે રતન તાતાએ એક વાર આવા સ્ટ્રે ડોગ્સને વરસાદમાં પલળતા જોયા ત્યાર પછી તેમને બોમ્બે હાઉસમાં એન્ટ્રી મળતી થયેલી.

સ્ટ્રે ડોગ્સ માટે બોમ્બે હાઉસમાં જે રૂમ બન્યો છે એમાં તેમનાં માટે રમકડાં છે, નાહવાની વ્યવસ્થા છે, પીવા માટે પાણી મૂકયું હોય છે અને કહેવાય છે કે તેમના માટે જમવાનું તાતા ગ્રુપની જ હોટેલ તાજમહલમાંથી આવે છે.

બોમ્બે હાઉસમાં જે શ્વાનો રહે છે એ સૌનો જે લીડર છે એનું નામ ગોવા છે. રતન તાતાએ બ્લેક એન્ડ વાઈટ ગોવા અને અન્ય એક શ્વાન સાથેનો પોતાનો ફોટો બુધવારે ઈન્સ્ટાગ્રામ પર મૂકયો હતો, જેની સાથે તેમણે લખ્યું હંતઃ આ દિવાળીએ બોમ્બે હાઉસના અડોપ્ટેડ શ્વાનો સાથેની કેટલીક હૃદયસ્પર્શી ક્ષણો, ખાસ કરીને મારા ઓફિસ-સાથીદાર ગોવા સાથે.

રતન તાતા સાથેના શ્વાનનું નામ ગોવા છે એ જાણીને સોશ્યલ મીડિયા પર ઘણા લોકોને એવું નામ શા માટે એ જાણવાની ઉત્સુકતા થઈ, જેનો જવાબ આપતાં રતન તાતાએ લખ્યું, 'એ ગોવામાં મારા એક કલીગની કારમાં બેસી ગયો ત્યારે એક નાનકડું પપી હતું. કારમાં બેસી ગયા પછી એ છેક બોમ્બે હાઉસ આવ્યું ત્યારે એમાંથી ઊતર્યો હતો. એટલે જ તેનું નામ અમે ગોવા રાખ્યું હતું.'

ગોવા સાથે રતન તાતાનો બહુ ગાઢ નાતો છે એવું બોમ્બે હાઉસના લોકો કહે છે. રતન તાતા જયારે નિયમિત ઓફિસ આવતા ત્યારે તે રોજ તેમની રાહ જોતો અને લિફ્ટમાં તેમની સાથે ઉપર જતો. રતન તાતાની ઓફિસમાં એક સોફા પર તેણે પોતાની સૂવાની જગ્યા પણ બનાવી લીધેલી.

રતન તાતાએ એટલે જ દિવાળી નિમિત્ત્।ે પોતાના ફેવરિટ ગોવા અને અન્ય સ્ટ્રે ડોગ્સ સાથે થોડીક ક્ષણો વિતાવી હતી અને જગત સાથે પણ એ ક્ષણો શેર કરી હતી.

(2:48 pm IST)