મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ફ્રાન્સ વિરોધી જંગી દેખાવો સર્જનાર ખાદીમ હુસૈન રીઝવીનું પાકિસ્તાનમાં મૃત્યુ

નવી દિલ્હી, તા.૨૦: ફ્રાન્સ વિરોધી જંગી દેખાવો સર્જનાર મૌલાના ખાદીમ હુસૈન રીઝવી પાકિસ્તાનમાં ભેદી સંજોગોમાં મૃત્યુ પામ્યાનું જાહેર થયું છે. ટ્વીટર ઉપર શકીલ મિર્ઝા નામના રિસર્ચર પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર લખે છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી તેઓ માંદા હતા અને રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં તાજેતરમાં જે ફ્રાન્સ વિરોધી દેખાવો થયા તેમાં તેઓ હાજર પણ ન હતા. તે સમયે તેઓ લાહોરમાં હતા. ટ્વિટર ઉપર શેખ હોસ્પિટલ લાહોરનું તેમનું ડેથ સર્ટિફિકેટ પણ વાયરલ થયું છે, જેમાં ખાદીમ હુસૈન રીઝવીને ૫૫ વર્ષના હોવાનું અને ગુરુવારની રાતે ૮:૪૮ મિનિટે તેમનો મૃતદેહ હોસ્પિટલે આવ્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ખાદીમ હુસૈન રીઝવી વિકિપીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાનના જમણેરી કટ્ટરપંથી ધર્મ પ્રચારક હતા અને તેમણે 'તહેરીકે  લબૈક પાકિસ્તાન' નામની સંસ્થા સ્થાપી હતી. તેઓ ખૂબ જ ચર્ચાસ્પદ વ્યકિતત્વ ધરાવતા હતા..

બીજી તરફ જાણવા મળવા મુજબ સુન્ની સંપ્રદાયના પાકિસ્તાન ખાતેના તેઓ એક માત્ર ચુસ્ત પ્રચારક હતા અને છેલ્લા પાંચ દિ'થી તેઓને તાવ આવતો હતો અને તાવ વધતો જ જતો હોઇ ગઇરાતના તેઓએ દમ તોડી દીધો હતો. સુન્ની સંસ્થાઓના અહેવાલ મુજબ સુન્ની સંપ્રદાયને તેઓની વિદાયથી ભારે ખોટ પડી છે.

(2:49 pm IST)