મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

Covaxinની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૃઃ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીએ મૂકાવી રસી

ત્રીજા તબક્કા દરમિયાન ૨૫૮૦૦ લોકો પર ટ્રાયલ થવાની છે

અંબાલા, તા.૨૦: ભારત બાયોટેકની કોરોના રસી કોવેકિસનની ત્રીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે પણ રસી મૂકાવી. તેઓ આ ટ્રાયલ માટે પોતે વોલેન્ટિયર બન્યા. તેમણે રોહતક પીજીઆઈના ડોકટરોના સંરક્ષણમાં આ રસી મૂકાવી. ત્રીજા તબક્કા દરમિયાન ૨૫૮૦૦ લોકો પર ટ્રાયલ થવાની છે.

Covaxinના ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણાના રોહતકમાં શુક્રવારે શરૂ થઈ. રાજયના ગૃહમંત્રી અનિલ વીજે પહેલા રસી મૂકાવી. દેશમાં કુલ ૨૫૮૦૦ લોકો પર રસીની ટ્રાયલ થવાની છે. પીજીઆઈ રોહતકના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે કોવેકિસનના ત્રીજા તબક્કાની ટ્રાયલ શુક્રવારથી શરૂ થઈ. પહેલા ૨૦૦ વોલેન્ટિયર્સને ડોઝ આપવામાં આવ્યો છે.

કોવિડ ૧૯ના દેશી રસી કોવેકિસનના ત્રીજા તબક્કાના પરીક્ષણ હેઠળ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે સ્વેચ્છાએ આ રસીની ટ્રાયલ દરમિયાન રસી મૂકાવવાની ઈચ્છા વ્યકત કરી. ભાજપના ૬૭ વર્ષના દિગ્ગજ નેતાને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ  તરીકે રસી મૂકવામાં આવી.

વીજે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પીજીઆઇ રોહતકના ડોકટરો અને સ્વાસ્થ્ય વિભાગની ટુકડીની નિગરાણીમાં મને આવતી કાલે સવારે ૧૧ વાગે અંબાલા છાવણીી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની રસી કોવેકિસનનો પરીક્ષણ ડોઝ આપવામાં આવશે. જે ભારત બાયોટેકનું ઉત્પાદન છે.'

અનિલ વીજ અંબાલા છાવણીથી ધારાસભ્ય છે. તેમણે બુધવારે કહ્યું હતું કે હરિયાણામાં ૨૦ નવેમ્બરથી કોવેકિસનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ થશે. તેમણે કહ્યું કે તેઓ પરીક્ષણ હેઠળ સૌથી પહેલા રસી મૂકાવવા તૈયાર છે.

(3:32 pm IST)