મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય

પ્રમુખપદની ચૂંટણી ડિજિટલ રીતે કરાશે : થશે ઓનલાઇન મતદાન

નવી દિલ્હી તા. ૨૦ : દેશના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસે પોતાના નવા અધ્યક્ષની ચૂંટણી ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાના ડેલિગેટ્સને ડિજિટલ આઇ કાર્ડ આપવાના કાર્યનો આરંભ કયારનો કરી દીધો હતો. છેલ્લા થોડા સમયથી પક્ષની યાદવાસ્થળી એવા તબક્કે પહોંચી હતી જયારે શશી થરૂર, ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ જેવા ૨૩ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કાયમી અધ્યક્ષ અને નવી કારોબારી સમિતિ રચવાની માગણી કરી હતી.

એ સમયે તો સોનિયા ગાંધીએ આ બળવો દબાવી દીધો હતો. પરંતુ પક્ષના મોવડી મંડળને ખ્યાલ આવી ગયો હતો કે હવે લાંબું ખેંચવામાં મજા નથી. એટલે એ સમયે એવો વાયદો કરાયો હતો કે ૨૦૨૧ના જાન્યુઆરી સુધીમાં પક્ષને કાયમી પ્રમુખ મળી જશે. આ પ્રમુખ ગાંધી પરિવારના જ હોય એવું જરૂરી નથી એવું પણ બળવાખોરોને રાજી રાખવા આડકરતી રીતે જણાવી દેવાયું હતું.

હવે ૨૦૨૦ની સાલ ઝડપથી પૂરી થવા આવી રહી હતી ત્યારે કોરોના કાળને ધ્યાનમાં રાખીને એવી જાહેરાત કરાઇ હતી કે પ્રમુખપદની ચૂંટણી ડિજિટલ રીતે કરવામાં આવશે. પક્ષની સેન્ટ્રલ ઇલેકશન ઓથોરિટીના પ્રવકતાએ કહ્યું કે રાહુલ ગાંધી અધ્યક્ષપદ સ્વીકારવા તૈયાર હશે તો એમ માની લેવાશે કે રાહુલ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ સ્વીકાર્ય નેતા છે. પરંતુ અધ્યક્ષપદ માટે એક કરતાં વધુ ઉમેદવાર હશે તો મતદાન લેવાશે.

દેશના વિવિધ વિસ્તારના કુલ ૧૫૦૦ ડેલિગે્ટસ મતદાન કરશે. પક્ષના એક પ્રવકતાએ એવો દાવો કર્યો હતો કે બે રાજય બાદ કરતાં અમને બધાં રાજયોના ડેલિગેટ્સ મળી ચૂકયા હતા. એક કરતાં વધુ ઉમેદવાર હશે તો અમે ચૂંટણી કરીશું. કોઇ પણ પરિણામ માટે પક્ષ અત્યારે તૈયાર હતો. અમે કરેલા વાયદા મુજબ પક્ષને કાયમી પ્રમુખ આપવાની તૈયારી અમે કરી રહ્યા હતા. જરૂર પડ્યે ચૂંટણી અચૂક કરવામાં આવશે.

(3:34 pm IST)