મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

જૈશે મોહમ્મદના નાપાક ઈરાદા સૈન્યએ નાકામ કર્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાશ્મીરના નગરોટા એન્કાઉન્ટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા : જપ્ત કરાયેલા હથિયારો આતંકીઓ દ્વારા દેશમાં આતંક ફેલવવાના ઈરાદાનો પર્દાફાશ થયો હોવાનો મોદીનો દાવો

નવી દિલ્હી, તા. ૨૦  જમ્મુ-કાશ્મીરના નગરોટામાં થયેલા એક્નાઉન્ટરમાં સુરક્ષાદળોએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે પાકિસ્તાનનું સીધું જ નામ લીધું છે. પીએમ મોદીએ ઉપરા-ઉપરી ૨ ટ્વીટ કર્યા છે. પીએમે કહ્યું કે, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી જે ઈરાદા સાથે ભારતમાં દાખલ થયા હતા, આપણા સતર્ક સુરક્ષાદળોએ તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું.

પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદથી જોડાયેલા ૪ આતંકવાદીઓની સાથે મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોની હાજરી એ સંકેત આપે છે કે આ આતંકવાદીઓ આપણા દેશની અંદર આતંક ફેલાવવા આવ્યા હતા અને સેનાએ તેમના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું. તેમણે આગળ કહ્યું કે, આપણા સુરક્ષાદળોની એકવાર ફરી અત્યંત બહાદુરી અને તેમની સતર્કતાના કારણે આતંકવાદી ષડયંત્ર અસફળ રહ્યું. પીએમ મોદીએ કહ્યું કે, સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તરની લોકશાહી વ્યવસ્થાને નિશાન બનાવનારા એક નાપાક ષડયંત્રને હરાવ્યું છે. આ પહેલા પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા ઑફિસરોની સાથે નગરોટા એક્નાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી. સરકારનું એ માનવું છે કે આતંકવાદી ૨૬/૧૧ની વર્ષગાંઠ પર એક આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરૂવારની સવારે થયેલી અથડામણમાં ૪ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા અધિકારીઓ સાથે નગરોટા એક્નાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી.

(8:56 pm IST)