મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

ઈલેક્ટોરલ બૉન્ડસથી પાર્ટીઓને બખ્ખા :છેલ્લા ત્રણ વર્ષમાં 6493 કરોડનું ફંડ મળ્યું

બિહાર ચૂંટણી પહેલા 282 કરોડના ઈલેક્ટોરલ બૉન્ડ્સનું વેચાણ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઑક્ટોબરમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ (SBI) રાજનીતિક પાર્ટીઓને ફંડ કરવાવાળા 282 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બૉન્ડ્સનું  વેચાણ કર્યું છે. આ સાથે જ 2018માં શરૂ થયેલી આ સ્કીમ મારફતે અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પાર્ટીઓને 6493 કરોડ રૂપિયાનું ફંડ મળી ચૂક્યું છે.

‘ધી ઈન્ડિયન એક્સપ્રેસ’ તરફથી દાખલ કરવામાં આવેલી RTI તરફથી મળેલી જાણકારીમાં સામે આવ્યું કે, બેંકે 19 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી ઈસ્યૂ કરેલા ઈલેક્ટોરલ બૉન્ડ્સની  શ્રેણીમાં 1 કરોડ રૂપિયાની કિંમતના લગભગ 279 બૉન્ડસનો સોદો કર્યો, જ્યારે 10 લાખ રૂપિયાના 32 બૉન્ડ્સ વેચ્યા.

ડેટા પ્રમાણે, SBIની મુંબઈ સ્થિત મેઈન બ્રાન્ચે 14મી શ્રેણીમાં 130 કરોડ રૂપિયાના બૉન્ડ્સ ઈસ્યૂ કર્યા, જ્યારે નવી દિલ્હી બ્રાન્ચે માત્ર 11.99 કરોડના બૉન્ડ્સ જ ઈસ્યૂ કર્યા. પટના સ્થિત SBIની શાખામાં જ માત્ર 80 લાખ રૂપિયાની કિંમતના બોન્ડ્સનું વેચાણ થયું. જ્યારે બેંગલુરૂ બ્રાન્ચથી બોન્ડ્સ વેચાયા જ નહીં. આ સિવાય 3 શહેરોમાં 237 કરોડ રૂપિયાના બૉન્ડ્સનું કેસ કરવામાં આવ્યું. જેમાંથી ભૂવનેશ્વરથી 67 કરોડ, ચેન્નઈથી 80 કરોડ અને હૈદરાબાદથી 90 કરોડના બોન્ડ્સ વટાવવામાં આવ્યા.

ઈલેક્ટોરલ બૉન્ડ્સ મુખ્યત્વે રાજકીય પાર્ટીઓને ફંડિંગ માટે લાવવામાં આવ્યાં છે. જેને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા 1000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયાની કિંમતમાં ઈસ્યૂ કરવામાં આવે છે. જેને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે અને રાજકીય પાર્ટીઓને ડોનેટ કરી શકે છે.

જેની મુદ્દત ઈસ્યુ થયા બાદથી 15 દિવસ સુધીની હોય છે. આ બૉન્ડ્સનો ફાયદો માત્ર કોઈ એક યોગ્ય રાજનીતિક પાર્ટી જ લઈ શકે છે. આ માટે બોન્ડ્સને સ ત્તાવાર બેંકના નોટિફાઈડ એકાઉન્ટમાં જમા કરાવવાના હોય છે. એટલે કે જે બૉન્ડ લોકો બેંકથી ખરીદીને રાજકીય પાર્ટીઓને આપે છે, તે બોન્ડ્સ રાજકીય પાર્ટીઓ (Political Parties) પરત બેંકને વેચી દે છે.

SBIએ RTIના જવાબમાં  જણાવ્યું કે, 14મીં શ્રેણીના બૉન્ડ્સનું વેચાણ પૂરુ થવા સાથે જ છેલ્લા 3 વર્ષોમાં ડૉનર્સ અત્યાર સુધીમાં 6493 કરોડ રૂપિયાનું ફંડ વિવિધ રાજકીય પાર્ટીઓને આપી ચૂક્યાં છે. પહેલા વર્ષે એટલે કે 2018માં પાર્ટીઓને ઈલેક્ટોરલ બોન્ડ  મારફતે 1056.73 કરોડ રૂપિયા મળ્યા હતા. 2019માં 5071.99 કરોડ રૂપિયા અને 2020માં અત્યાર સુધીમાં 363.96 કરોડ રૂપિયા મળ્યાં છે.

ઈલેક્ટોરલ બૉન્ડ્સ મારફતે માત્ર એવી જ રાજકીય પાર્ટીઓને ફંડ મળી શકે છે, જે રિપ્રેજેન્ટેશન ઑફ પીપલ્સ એક્ટ, 1951ના સેક્સન 29-એ અંતર્ગત રજિસ્ટર્ડ થઈ હોય અને ગત લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં એક ટકાથી ઓછા મત પ્રાપ્ત ના કર્યા હોય. માત્ર એવી જ રાજકીય પાર્ટીઓ ઈલેક્ટોરલ બૉન્ડ્સને વટાવીને કરંટ એકાઉન્ટ ખોલાવી શકે છે.

કૉર્પોરેટ સુત્રો અનુસાર, ઈલેક્ટોરલ બૉન્ડ્સના ખરીદી કરનારાઓમાં મુંબઈના મોટા બિઝનેસ હાઉસ પણ સામેલ છે, કારણ કે તેના થકી જ રાજકીય પાર્ટીઓને  ગુપ્ત રીતે ફંડિંગ પૂરી પાડી શકાય છે.હકીકતમાં ઈલેક્ટોરલ બૉન્ડ્સ પર SBIની ગાઈડલાઈન કહે છે કે, બૉન્ડ્સ ખરીદનારા લોકોની ઓળખ બેંક ગુપ્ત રાખશે. માત્ર કોર્ટના આદેશ અને કાનૂની એજન્સી દ્વારા ગુનાહિત કેસ દાખલ થવા પર માંગવામાં આવશે, ત્યારે જ તેની ઓળખનો ખુલાસો થઈ શકશે

(1:14 pm IST)