મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

૨૪ કલાકમાં ૪૬૨૩૨ કેસઃ ૫૬૪ના મોત

કુલ કેસ ૯૦,૫૦,૫૯૭: કુલ મૃત્યુ ૧૩૨૭૨૬

નવી દિલ્હી, તા.૨૧: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકયું છે. આ સમયે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વાત કરીએ તો કોરોના વાયરસના નવા ૪૬,૨૩૨ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં ૫૬૪ લોકોનાં મોત થયા છે.

 નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૯૦,૫૦,૫૯૭ થઈ છે. આ સાથે દેશમાં હાલ કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા ૪,૩૯,૭૪૭ થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૮૪,૭૮,૧૨૪ થઈ છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થવાના દર ૯૩.૭ ટકા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૯,૭૧૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે  મોતનાં આંકડાની વાત કરીએ તો દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે કુલ ૧,૩૨,૭૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં મૃત્યુદર ૧.૫ ટકા થયો છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશમાં ૨૦મી નવેમ્બરના રોજ ૧૦,૬૬,૦૨૨ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ ૧૩,૦૬,૫૭,૮૦૮ સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.

 ગુજરાતમાં કોરોનાના નવા ૧૪૨૦ કેસઃ રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧,૪૨૦ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૪૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ને કારણે સાત દર્દીઓનાં મોત થયા છે. આ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક ૩,૮૩૭ થયો છે. રાજયમાં અત્યારસુધી કોરોનાના કુલ ૧,૯૪,૪૦૨ કેસ નોંધાયા છે. હાલ રાજયમાં કોરોનાના ૧૩,૦૫૦ સક્રિય કેસ છે. શુક્રવારે રાજયમાં કુલ ૬૭,૯૦૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૧.૩૧ ટકા છે.

(3:30 pm IST)