મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

લોકડાઉન બાદ ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ ડેટા વપરાશમાં ૩૦%નો વધારો

નવી દિલ્હી, તા. ૧રઃ કોવિડ -૧૯ લોકડાઉનને કારણે, શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં તીવ્ર વધારો થયો છે. માઇગ્રન્ટ લેબર તેના ગામમાં સ્થળાંતર થયા ત્યારથી ડેટા વપરાશમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ગામડાઓ પણ હવે ઇન્ટરનેટ વપરાશમાં પાછળ નથી જે જાહેર થયેલા ડેટા ઉપરથી સ્પષ્ટ થાય છે.

કોવિડ -૧૯ અને લોકડાઉન ટેલિકોમ કંપનીઓ માટે નવી તકો ઉભી કરી રહી છે. કોવિડ -૧૯ પછી ગ્રામીણ વિસ્તારોમાં ડેટા વપરાશમાં ૩૦ટકાનો વધારો છે. ભારતમાં બ્રોડબેન્ડ કનેકશન્સની સંખ્યા ૭૫ કરોડને વટાવી ગઈ છે જેમાં ૩૫ કરોડ ગ્રાહકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે, હવે કુલ ડેટા વપરાશના ૪૫ ટકા ડેટા ગ્રામીણ વિસ્તારોમાં છે. ટેલિકોમ કંપનીઓ ગ્રામીણ વિસ્તારના દ્યણાં ગ્રાહકો ઉમેરી રહી છે. જૂનથી ઓગસ્ટ મહિનામાં, ટેલિકોમ કંપનીઓએ ગ્રામીણ વિસ્તારના ૪૩ લાખ ગ્રાહકોને ઉમેર્યા છે. ક્રિસિલના અહેવાલ મુજબ ડેટા વપરાશ ૨૫ થી ૩૦ ટકા વધશે. ગામડાઓનું તેમાં દ્યણું યોગદાન છે.

લોકડાઉન પહેલા સરકારના કોમન સર્વિસ સેન્ટરનો ડેટા વપરાશ ૨.૭ ટેરાબાઇટ હતો, જે હવે વધીને ૫ ટેરાબાઇટ્સ થઈ ગયો છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઇ-કોમર્સની માંગ પણ વધી છે, તેથી હવે કંપનીઓ ગામડાઓમાં નવી વૃદ્ઘિ જોવા મળી રહી છે. ટેલિકોમ કંપનીઓનું ધ્યાન અત્યાર સુધી શહેરી ગ્રાહકો પર રહ્યું છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી વધતા ડેટા વપરાશ કંપનીઓને તેનું ધ્યાન કેન્દ્રિત કરવા મજબુર કરી શકે છે.

(4:14 pm IST)