મુખ્ય સમાચાર
News of Thursday, 10th June 2021

ફંડિંગ મેળવવા મામલે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની :કોંગ્રેસ કરતાં 5 ગણું વધારે ફંડ મળ્યું

પાર્ટીને કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી 750 કરોડનું ફંડ મળ્યું :પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી 217.75 કરોડ મળ્યા

નવી દિલ્હી: ભાજપ 2014થી કેન્દ્રની સત્તામાં છે. આ દરમિયાન પાર્ટી કોર્પોરેટ અને વ્યક્તિગત ફંડ મેળવવા મામલે સૌથી અવલ્લ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પોતાના રિપોર્ટમાં પાર્ટીએ કહ્યું છે કે, વર્ષ 2019-20માં પાર્ટીને કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી લગભગ 750 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. જે કોંગ્રેસને મળેલા 139 કરોડ રૂપિયાના ફંડ કરતાં ઓછામાં ઓછું 5 ગણું વધારે છે. આ સમયગાળામાં NCPને 59 કરોડ, TMCને 8 કરોડ, CPMને 19.6 કરોડ અને CPIને 1.9 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.

ધી ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભાજપને ફાળો આપનારા લોકોમાં સાંસદ રાજીવ ચંદ્રશેખરની જ્યૂપિટર કેપિટલ, ITC ગ્રુપ, રિયલ એસ્ટેટ કંપનીઓ મેક્રોટેક ડેવલોપર્સ (જેને પહેલા લોધા ડેવલોપર્સ તરીકે ઓળખવામાં આવતી હતી) અને બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલૉજી, પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને જન કલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ મુખ્ય છે.

 

ભાજપને પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી 217.75 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી 45.95 કરોડ રૂપિયા, જ્યૂપિટર કેપિટલ તરફથી 15 કરોડ, ITC તરફથી 75 કરોડ, લોધા ડેવલોપર્સ તરફથી 21 કરોડ અને ગુલમર્ગ ડેવલોપર્સ તરફથી 20 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.

ઈલેક્ટોરલ ટ્રસ્ટ એક કંપની છે, જે મુખ્યત્વે કોર્પોરેટર્સ પાસેથી સ્વૈચ્છિક ફંડ પ્રાપ્ત કરે છે અને પછી તેને રાજકીય પાર્ટીઓમાં વિતરિત કરે છે. જે રાજનીતિક યોગદાન કરતા ફંડ આપનારાનું નામ ગુપ્ત રાખે છે. પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ભારતી એન્ટરપ્રાઈઝ, GMR એરપોર્ટ ડેવલોપર્સ અને DLF લિમિટેડ છે. જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને JSW ગ્રુપની કંપનીઓ તરફથી ફંડ મળે છે.

ભાજપને ઓક્ટોબર-2019માં બિલ્ડર સુધાકર શેટ્ટી સાથે સંકળાયેલી રિયલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ તરફથી 20 કરોડ રૂપિયાનું મોટું ફંડ મળ્યું હતું. પ્રવર્તન નિર્દેશાલયે જાન્યુઆરી-2020માં જ શેટ્ટીના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા.

ભાજપને ફંડ આપનારાઓમાં ઓછામાં ઓછી 14 શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. જેમાં મેવાડ યુનિવર્સિટી, દિલ્હી (2 કરોડ રૂપિયા), કૃષ્ણા ઈન્સ્ટીટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ (10 લાખ રૂપિયા), જીડી ગોયેન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરત (2.5 લાખ રૂપિયા), પઠાણિયા પબ્લિક સ્કૂલ, રોહતક (2.5 લાખ રૂપિયા), લિટલ હાર્ટ્સ કૉન્વેન્ટ સ્કૂલ, ભિવાની (21 હજાર રૂપિયા) અને એલન કેરિયર, કોટા (25 લાખ રૂપિયા) સામેલ છે.

પાર્ટીને ફંડ આપનારામાં ભાજપના અનેક સભ્યો, સાંસદો અને ધારાસભ્યો પણ સામેલ છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 5 લાખ રૂપિયા, રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે 2 કરોડ રૂપિયા, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડૂએ 1.1 કરોડ રૂપિયા, કિરણ ખેરે 6.8 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જ્યારે મણિપાલ ગ્લોબલ એજ્યૂકેશનના અધ્યક્ષ ટીવી મોહનદાસ પઈએ ભાજપને 15 લાખ રૂપિયાનો ફંડ આપ્યું છે

(6:04 pm IST)