મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના કહેરથી રાજનેતાઓ પણ બચી શક્યા નથી :ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી , કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પોતાના સંપર્કમાં આવેલા લોકોને સાવધાની રાખવા વિનંતી કરી

નવી દિલ્હી, તા. ૨૦ : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે બપોરે ટ્વીટરના માધ્યમથી આ અંગે જાણકારી આપી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવધાની રાખવા વિનંતી કરી હતી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે બપોરે ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, હળવા લક્ષણો અનુભવ્યા બાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકો સાવધાની રાખે અને સુરક્ષિત રહે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની પોતાની તમામ સભાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર ૨ રેલીઓ જ સંબોધિત કરી હતી. ત્યાર બાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહ પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને એઈમ્સના ડોક્ટર્સ તેમનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પણ થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

(12:00 am IST)