મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

કોરોના મહામારી વચ્ચે સુરત હીરા ઉદ્યોગ માટે નવો પડકાર

હીરા-ઝવેરાતની ૧૮ કેટેગરી ઉપર ૨૫% ઇમ્પોર્ટ ડ્યુટી વસુલવા અમેરિકાની વિચારણા

યુએસટીઆરની ભલામણને પગલે હીરા ઉદ્યોગની કમર તૂટી જાય તેવી સ્થિતી : ઉદ્યોગકારોમાં ભારે નારાજગી

નવી દિલ્હી,તા. ૨૧: ભારતની અમેરિકા એકસપોર્ટ થતા હીરા અને ઝવેરાતની કુલ ૧૮ કેટેગરીઓ પર અમેરિકાએ ૨૫ ટકા આયાત ડ્યુટી વસુલવા યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેન્જેટેટીવ (યુએસટીઆર)ને ભલામણ કરતા કોરોના મહામારીનો માર વેઠી રહેલા હીરા ઉદ્યોગ માટે એક નવો પડકાર ઉભો થયો છે.

સુરત હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. અને સુરત સહિત દેશભરમાં તૈયાર થતા હીરા અને જ્વેલરી પૈકી ૫૦ ટકાનો ખરીદનાર વર્ગ અમેરિકા છે. દર વર્ષે એક માત્ર સુરતમાંથી નેચરલ હીરાનું ૧.૫૦ લાખ કરોડનું એકસપોર્ટ થાય છે. સ્થાનિક ઉદ્યોગકારોના મત મુજબ તે પૈકી ૫૦ ટકા અમેરિકા અને ૩૦ ટકા હોંગકોંગ એકપોર્ટ થાય છે. તાજેતરમાં જ ભારતમાંથી એકસપોર્ટ થતી ૧૮ જેટલી જેમ એન્ડ જ્વેલરીના આર્ટીકલ જેવા કે પ્રિસિયઝ અને સેમીપ્રિસિયઝ સ્ટોન (હીરા), સિન્થેટીક કે રીકન્સ્ટ્રકશન થયેલા હીરા કે સ્ટોન, ચાંદીની જ્વેલરી, સોનાનું નેકલેસ, ડાયમંડ જ્વેલરી વગેરે પર ૨૫ ટકા આયાત ડ્યુટી વસુલવા માટે યુનાઇટેડ સ્ટેટ ડ્રેટ રિપ્રેજન્ટેટીવ (યુએસટીઆર) ભલામણ કરી છે.

આ અંગે તા. ૧૭ એપ્રિલે જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના ઓનલાઇન ઓપન ફોરમમાં થયેલી ચર્ચામાં ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતુ કે વિદેશી કંપનીઓ સાથે ઓનલાઇન જેમ એન્ડ જ્વેલરીના થતા વ્યવહારો પર ભારત સરકાર ૨ ટકા ઇકિવલાઇઝેશન ડ્યુટી વસુલે છે. તેની સામે યુએસ ગર્વમેન્ટે ભારતની અમેરિકા એકસપોર્ટ થતી જેમ એન્ડ જ્વેલરીની ૧૮ કેટેગરી પર ૨૫ ટકા ડ્યુટી નાંખવા હાકલ કરી છે. જેને ઉદ્યોગકારો બિનવ્યહારૂ અને ઇન્ડસ્ટ્રીઝને નુકસાનકારક ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કતારગામ, વેડરોડ અને વરાછાના નાના-મોટા ૩૦૦ એકમોમાં તૈયાર થતા હીરા અમેરિકા એકસપોર્ટ થાય છે. હીરા ઉદ્યોગને થતુ નુકશાન અટકાવવા જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ ઓનલાઇન પિટીશન કરવા માટે ઉદ્યોગકારોને જણાવ્યું છે.

(11:08 am IST)