મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

રિલાયન્સ કોવિડ સામે ઝઝૂમતા રાજ્યોને દરરોજ ૭૦૦ ટનથી વધુ ઓકિસજન પૂરો પાડી રહ્યું છે

રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દરરોજ ૪૦૦ ટન ઓકિસજન પૂરો પાડવામાં આવે છે : ધનરાજ નથવાણી કંપનીએ મેડિકલ ગ્રેડના ઓકિસજનની ઉત્પાદન ક્ષમતા વધારી આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા ૧૦૦૦ ટન પ્રતિ દિવસ કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોવિડ-૧૯ મહામારી સામે ઝઝૂમતા રાજયો માટે તબીબી ઉપયોગ માટેના ઓકિસજનનું ઉત્પાદન વધારીને ૭૦૦ ટન પ્રતિ દિવસ કરી દીધું છે,તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કંપનીની ગુજરાતમાં આવેલી જામનગર સ્થિત રિફાઇનરી શરૂઆતમાં દરરોજ ૧૦૦ ટન મેડિકલ-ગ્રેડના ઓકિસજનનું ઉત્પાદન કરતી હતી,આ ઉત્પાદન ક્ષમતાને તાત્કાલિક વધારીને ૭૦૦ ટન પ્રતિ દિવસ સુધી લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે,તેમ આ મામલે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. ઓકિસજનનો આ પુરવઠો ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજયોમાં ગંભીર રીતે બીમાર ૭૦,૦૦૦થી વધુ લોકોને રાહત આપશે. આવનારા દિવસોમાં કંપની મેડિકલ-ગ્રેડના ઓકિસજનનું ઉત્પાદન પ્રતિ દિન ૧૦૦૦ ટન સુધી લઈ જવાનું આયોજન કરી રહી છે.

ક્રૂડ ઓઇલમાંથી ડીઝલ,પેટ્રોલ અને જેટ ફયૂઅલ જેવા ઈંધણનું ઉત્પાદન કરતી જામનગર રિફાઇનરી મેડિકલ-ગ્રેડના ઓકિસજનનું ઉત્પાદન કરતી નહોતી,પરંતુ કોરોના વાઇરસના કેસમાં અસાધારણ ઉછાળો આવતાં રિલાયન્સે ખાસ ઉપકરણો ઇન્સ્ટોલ કરીને મેડિકલ-ગ્રેડના ઓકિસજનનું ઉત્પાદન અને સપ્લાય શરૂ કર્યો છે. ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓકિસજનને મેડિકલ-ગ્રેડના ઓકિસજનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. 'સમગ્ર દેશમાં રાજયોને દરરોજ ૭૦૦ ટન ઓકિસજન પૂરો પાડવામાં આવે છે. આટલો પુરવઠો દરરોજ ૭૦,૦૦૦ ગંભીર રીતે બીમાર લોકોને રાહત પહોંચાડશે,' તેમ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. માઇનસ ૧૮૩ ડિગ્રી તાપમાન પર ખાસ ટેન્કરમાં ઓકિસજન પૂરો પાડવાની સમગ્ર કામગીરી પાછળ રાજય સરકારોએ કોઈ ખર્ચ કરવાનો થતો નથી,તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ કામગીરી કંપનીની કોર્પોરેટ સોશિયલ રિપ્સોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ઓઇલ રિફાઇનરીઓ નાઇટ્રોજનનું ઉત્પાદન કરવા માટેના તેમના એર-સેપરેશન પ્લાન્ટ્સમાં મર્યાદિત ક્ષમતામાં ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓકિસજનનું ઉત્પાદન કરી શકે છે. કાર્બન ડાયોકસાઇડ જેવા અન્ય ગેસના સ્ક્રબિંગથી તબીબી ઉપયોગ માટેના ૯૯.૯ ટકા પ્યોરિટી ધરાવતા ઓકિસજનનું ઉત્પાદન કરી શકાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ મંગળવારે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'રિલાયન્સ જામનગર દ્વારા દરરોજ ગુજરાતને ૪૦૦ ટન ઓકિસજન પૂરો પાડવામાં આવે છે. આ કાર્ય ગુજરાત માટેના અમારા સમર્પણને દર્શાવે છે.' રિલાયન્સ ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ધરાવે છે. સૂત્રોએ કહ્યું હતું કે,હાલ ચાલી રહેલી મહામારી સામે લડવા મેડિકલ-ગ્રેડનો ઓકિસજન પૂરો પાડવો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતાં અનેક કાર્યોમાંનું એક કાર્ય છે. રિલાયન્સ ફાઉન્ડેશને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)સાથે મળીને દેશની પહેલી કોવિડ હોસ્પિટલ મુંબઈમાં શરૂ કરી હતી. ૧૦૦ પથારીઓ ધરાવતી આ હોસ્પિટલ માત્ર બે અઠવાડિયામાં શરૂ કરવામાં આવી હતી,જેની ક્ષમતા પાછળથી વધારીને ૨૫૦ પથારીની કરવામાં આવી હતી. રિલાયન્સે મહારાષ્ટ્રના લોધીવલીમાં સંપૂર્ણ સગવડો સાથેની આઇસોલેશન સુવિધા તૈયાર કરી હતી જેને જિલ્લા વહીવટીતંત્રને સુપરત કરવામાં આવી હતી. આ ઉપરાંત,રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં સ્પંદન હોલિસ્ટિક મધર-એન્ડ-ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓને કવોરન્ટાઇન કરવાની સુવિધા ઊભી કરવામાં સહાય કરી હતી.

રિલાયન્સે દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ-૧૯ કેર સેન્ટર ખાતે ડિજિટલ અને મેડિકલ સુવિધાઓ ઊભી કરવામાં સહાય કરી હતી. આ ઉપરાંત સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે BMC સાથેના સહયોગમાં મુંબઈની એચબીટી ટ્રોમા હોસ્પિટલમાં ૧૦ પથારીઓનું ખાસ ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કર્યું હતું.

પ્લાઝમા થેરાપીની અસરકારકતા ચકાસવા માટેની કિલનિકલ ટ્રાયલ હાથ ધરવા માટેના મહારાષ્ટ્ર સ્થિત વિવિધ કેન્દ્રોમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પર ICMR દ્વારા સૌથી પહેલો ભરોસો મૂકવામાં આવ્યો હતો. ભારતના હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રિલાયન્સ દરરોજના એક લાખ પીપીઈ અને માસ્કનું પણ ઉત્પાદન કરે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન ઇમરજન્સી સેવાઓ વિના વિઘ્ને કાર્યરત રહી શકે તે માટે રિલાયન્સે દેશના ૧૮ રાજયોના ૨૪૯ જિલ્લાઓમાં ૧૪,૦૦૦ એમ્બ્યુલન્સને ૫.૫ લાખ લીટર નિઃશુલ્ક ઇંધણ પૂરું પાડ્યું હતું. દેશમાં કોવિડ-૧૯ માટેના ટેસ્ટિંગની ક્ષમતા ઝડપથી વધે એ માટે રિલાયન્સ લાઇફ સાયન્સ ટેસ્ટ કિટ્સ અને અન્ય સાધનો પૂરા પાડે છે. લોકડાઉન દરમિયાન વંચિતો અને ગરીબો માટે રિલાયન્સ ફાઉન્ડેશને મિશન અન્ન સેવાની શરૂઆત કરી હતી,જે કોઈ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા ભોજન વિતરણ માટે શરૂ કરાયેલો સમગ્ર વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ હતો.

મિશન અન્ન સેવા હેઠળ ૮૦થી વધુ જિલ્લા,૧૮ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૫.૫ કરોડ ભોજન પહોંચાડવામાં આવ્યા હતા. રિલાયન્સે PM-CARES ફંડ સહિતના વિવિધ રાહત ફંડોમાં કુલ રૂ. ૫૫૬ કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મિશન કોવિડ સુરક્ષા પણ શરૂ કરવામાં આવ્યું હતું,જેમાં માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ સામે બચી શકાય છે તેવો સંદેશો ફેલાવીને મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે,૨૧ રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ગરીબ સમુદાયોમાં ૬૭ લાખ માસ્કનું વિતરણ કર્યું હતું. રિલાયન્સ રિટેલ દ્વારા તેના ૭૩૬ ગ્રોસરી સ્ટોર્સ થકી જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકોને હોમ ડિલિવરીની સુવિધા આપવાની સાથે સ્ટોર્સ ઉપરથી ટેકઅવે ઓર્ડર્સ આપીને ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કંપનીના ટેલિકોમ સાહસ જિયો દ્વારા ૪૦ કરોડ દેશવાસીઓ અને હજારો સંસ્થાનોને અવિરત અને ભરોસાપાત્ર ડિજિટલ કનેકિટવિટી પૂરી પાડવામાં આવી રહી છે.

(12:45 pm IST)